માંગરોળ તાલુકાના કોસાડી ગામે કિમ નદી ઉપર પ્રોટેક્શન વોલનું કામ અધુરું મૂકી કોન્ટ્રાક્ટર ફરાર થઈ જતા ચોમાસાની ઋતુમાં જોખમમાં મુકાયેલા ભયભીત 80 જેટલા આદિવાસી પરિવારોની કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી.
કોસાડી ગામે સિંચાઈ વિભાગ દ્વારા ₹4 કરોડ ૨૦ લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ નું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું.પરંતુ કોઈ કારણોસર કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી ફરાર થઈ જતા કોસાડી ગામના કીમ નદી પર રહેતા 80 જેટલા આદિવાસી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. જેનું મુખ્ય કારણ એ છે કે નદી ઉપરની જૂની પ્રોટેક્શન વોલ કામ શરૂ કરતાં પહેલાં તોડી નાખવામાં આવી હતી અને આ જ જગ્યાએ નવી પ્રોટેક્શન વોલનું કામ શરૂ કરાયું હતું. હાલ કામ બંધ છે અને જૂની પ્રોટેક્શન વોલ તોડી નાખવામાં આવી હોવાથી કીમ નદીમાં આવતું વરસાદી ઘોડાપુર સીધુ આદિવાસી ફળિયામાં પ્રવેશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જીવના જોખમે આ પરિવારો હાલ પોતાના ઘરમાં રહે છે. જેથી સ્થાનિક લોકોમાં સરકાર અને સરકારી તંત્ર વિરુદ્ધ વ્યાપક રોષ જોવા મળી રહ્યા છે. ત્યારે કોસાડી ગામની મુલાકાતે પહોંચેલા કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળે જિલ્લા વિકાસ અધિકારીને અને સિંચાઈ વિભાગના અધિકારીને પ્રબળ રજૂઆતો કરી જણાવ્યું કે તાત્કાલિક ધોરણે 80 આદિવાસી પરિવારોનો બચાવ થાય તે માટેની કામગીરી સરકારી તંત્ર શરૂ કરે અને લોકોને સુરક્ષિત રાખવા માંગ કરી હતી. અંતમાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે 80 જેટલા આદિવાસી પરિવારો ની સુરક્ષા બાબતે કોઈપણ કામગીરી કરવામાં નહીં આવે તો ગ્રામજનો સાથે સરકારી તંત્ર વિરુદ્ધ આંદોલન પ્રતીક ઘરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
વિનોદ મૈસુરિયા : વાંકલ