માંગરોળ તાલુકામાં છેલ્લા એક વર્ષથી મામલતદારની નિમણૂક નહીં કરાતા સરકારી કામો ખોરંભે પડતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. માંગરોળ તાલુકામાં છેલ્લા એક વર્ષથી ઇન્ચાર્જ મામલતદારથી ગાડુ ગબડાવી વહીવટ કરવામાં આવી રહ્યો છે.
આ મુદ્દે માંગરોળ તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારની કાયમી નિમણુક કરવા કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવેલ છે.કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે છેલ્લા ૧ વર્ષથી માંગરોળ તાલુકામાં નિયમિત મામલતદારની નિમણુંક કરેલ નથી. કયારેક માંડવી મામલતદાર તો ક્યારેક ઉમરપાડા મામલતદારને માંગરોળનો ચાર્જ આપવામાં આવે છે. ચાર્જમાં આવેલા મામલાતદાર ફકત તાત્કાલિ જરૂરી જેવા કામ કરી ફરી પાછા પોતાની ઓફિસમાં ચાલ્યા જાય છે. નિયમિત રેવન્યુના કામ કે મહત્વના કામો પર દેખરેખ રાખતા નથી. મોટાભાગના કેસોમાં નિર્ણય લેતા નથી. લોકો ધરમના ધકકા ખાતા રહે છે તેમ છતાં સરકારનો મહેસુલ વિભાગ છેલ્લા ૧ વર્ષથી કોઈ નિર્ણય કરી મામલતદારની નિમણુંક કરતાં નથી. માંગરોળ તાલુકો આદિવાસી વિસ્તાર છે. ગણોત ધારાના 400 કેસો પેન્ડિંગ છે. સુધારા અરજી કે મહત્વના કેસો ઘણા સમયથી પેન્ડિંગ છે. જેથી તાલુકાની ગરીબ ભોળી પ્રજા સરકારી કચેરીના ધક્કા ખાઈ ત્રાસી ગઈ છે. પ્રજાજનોને સમજ પડતી નથી કે ક્યાં કારણોસર માંગરોળ તાલુકામાં મામલતદારની નિમણુંક કરવામાં આવતી નથી. આ ગંભીર મુદ્દે તાત્કાલિક રાહે માંગરોળ મામલતદારની નિમણુંક કરવા કોંગ્રેસ સમિતિનાના આગેવાનો એડવોકેટ બાબુભાઈ ચૌધરી, રમણભાઈ ચૌધરી, સાહબુદ્દીન મલેક, રૂપસિંગભાઈ ગામીત, કનુભાઈ ચૌધરી, અનિલભાઈ ચૌધરી વગેરે દ્વારા માંગ કરવામાં આવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ