માંગરોળ તાલુકાના કોસાડી ગામે કીમ નદી પર પ્રોટેક્શન વોલનું કામ કોન્ટ્રાક્ટર અધૂરું મૂકીને ફરાર થઈ જતા નદી કિનારે વસવાટ કરતા 80 જેટલા આદિવાસી પરિવારોના માથે જીવનું જોખમ ઊભું થયું છે અને સાથે કોસાડી ગામમાં મોટી હોનારત થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બે વર્ષ પહેલાં કીમ નદીના કાંઠે આવેલા કોસાડી ગામે નદીના વરસાદી પૂરની મોટી સમસ્યા સર્જાઈ હતી જેથી હેલિકોપ્ટરની મદદ લઈ લોકોને બચાવવામાં આવ્યા હતા આ સમસ્યા દૂર કરવા માટે કોસાડી ગામની કીમ નદી પર પ્રોટેક્શન વોલના કામ માટે રૂ.૪.૨૦ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી.
ઉપરોક્ત કામ સિંચાઈ વિભાગે એજન્સી મારફત કામ શરૂ કરાવ્યું હતું જેમાં વર્ષો જુની જર્જરીત પ્રોડક્શન વોલ કિનારા પરથી દૂર કરી નવી પ્રોટેક્શન વોલનો પાયો નાખી કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર કામ રાખનાર કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ઘણા મહિનાથી પ્રોટેક્શન વોલનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવાની હતી પરંતુ આ કામ અધૂરું રાખવામાં આવ્યું છે જેથી નદી કિનારા ઉપર નાના ઘરો બાંધીને વસવાટ કરતા 80 જેટલા આદિવાસી પરિવારોના માથે જીવનું જોખમ ઊભું થયું છે. હાલ ચોમાસાની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને કીમ નદીમાં ઘોડાપૂર આવવાની તૈયારી છે ત્યારે નદીના કિનારે વસવાટ કરતા તમામ આદિવાસી પરિવારોના જીવ ઊચા થઈ ગયા છે. કીમ નદીમાં પૂરની જળ સપાટી વધે ત્યારે કોસાડી ગામમાં પાણી ફરી વળતા હોય છે હવે આદિવાસી ફળિયા તરફની જૂની પ્રોટેક્શન વોલ નહીં હોવાથી સીધું પાણી ૮૦ જેટલા આદિવાસી પરિવારોના ઘરોમાં જશે તેમજ ગામના અન્ય ફળિયાઓમાં પણ વરસાદી પૂરથી મોટું નુકસાન થાય તેવી દહેશત હાલ વર્તાઇ રહી છે. ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા વારંવાર જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરને કામ પૂર્ણ કરવાની રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ યોગ્ય જવાબ આપતા નથી ત્યારે ચાલુ વર્ષે મોટી હોનારત સર્જાઈ તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જેથી વહીવટી તંત્ર લોક ફરિયાદની ગંભીરતા સમજી આ હોનારતથી લોકોને બચાવે તેવી લોકમાંગ ઉઠી છે.
કોસાડી ગામે પ્રોટેક્શન વૉલનું કામ કોન્ટ્રાક્ટર અધૂર મૂકીને ભાગી જતા ગામ લોકોમાં તીવ્ર રોષ ફેલાયો છે. કોન્ટ્રાક્ટર હિટાચી મશીન ભાડે લાવ્યો હોવાથી મશીનનો માલિક મશીન લેવા માટે કોસાડી ગામે આવ્યો હતો ત્યારે ગ્રામજનોએ સામૂહિક વિરોધ કરી કામ પૂર્ણ થયા પછી જ મશીન લેવા દેશું તેવું કહી મશીન લઈ જતા માલિકને અટકાવ્યા હતા હાલ કોન્ટ્રાક્ટર મશીનના માલિકને પણ કોઈ જવાબ આપતો નથી.
વિનોદ મૈસુરિયા : વાંકલ