માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસ સમિતિએ કેન્દ્ર સરકારની અગ્નિપથ ભરતી યોજનાનો પ્રબળ વિરોધ કરી આ યોજના પાછી ખેંચવાની માંગ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ ભરતી યોજના અમલમાં મુકાતા સમગ્ર દેશમાં આ યોજનાનો પ્રબળ વિરોધ થઈ રહ્યો છે. માંગરોળ અને ઉમરપાડા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ મામલતદાર કચેરી ખાતે એકત્ર થયા હતા અને આ યોજનાનો વિરોધ કરાતા ઉમરપાડા પોલીસે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા સહિતના આગેવાનોની અટકાયત કરી હતી.
જ્યારે માંગરોળ ખાતે કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરી સહિતના આગેવાનો દ્વારા વિરોધ દર્શાવી ફરજ પરના મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કરી તેઓએ જણાવ્યું કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના યુવાનોના ભવિષ્યને અને તેમના દેશપ્રેમના સપનાઓને કચડી નાંખવાની યોજના સમાન છે અને દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરવાની તૈયારીમાં રહેવાવાળા આવા યુવાનોની જાણે હાંસી ઉડાવી રહ્યા હોય તેવી યોજનાનો વિરોધ મક્કમતાથી કોંગ્રેસ કરી રહી છે. આ યોજનાથી યુવાનો સાથે દેશના સર્વાધિક મહત્વ અને લોકતંત્રને પણ નુકસાન થઈ રહ્યું છે વિપક્ષી દળો અને વિશ્વાસમાં લીધા વિના સરકારે આ પગલું ભર્યું છે. આ યોજના ખરેખર દેશના હિતમાં નથી સરકારે મનસ્વી નિર્ણય કરી યોજના અમલ કરતા ઠેર ઠેર તોફાનો થયા છે તેના માટે ખરેખર કેન્દ્રની સરકાર જવાબદાર છે. કોંગ્રેસ યુવાનોના હિતમાં લડત આગળ ચલાવશે અને જુના 17 વર્ષની નિવૃત્તિ વય મર્યાદા હેઠળ યુવાનોની ભરતી કરે તેવી માંગ કરતી રહેશે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
માંગરોળ, ઉમરપાડામાં કોંગ્રેસ આગેવાનોએ કેન્દ્રની અગ્નિપથ ભરતી યોજનાનો પ્રબળ વિરોધ કર્યો.
Advertisement