ભારતીય જનતા પાર્ટી દ્વારા એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવાતા ખુશીથી ઝૂમી ઉઠેલા આદિવાસી સમાજ લોકો અને ભાજપ કાર્યકરોએ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવાની અધ્યક્ષતામાં વાંકલ ખાતે વિશાળ રેલી યોજી આનંદ ઉત્સવ મનાવ્યો હતો.
ભાજપ પક્ષ દ્વારા રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ઓરિસ્સાના આદિવાસી મહિલા ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની પસંદગી કરવામાં આવતા ગુજરાતના આદિવાસી સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ભારતના વડાપ્રધાન અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વના અતિ મહત્વપૂર્ણ નિર્ણયને આવકારી અભિનંદન આપવા માટે વાંકલ ખાતે વિશાળ રેલીનું આયોજન થયું હતું જેમાં આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ઢોલ નગારા સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી જે રેલી વાંકલ સાઈ મંદિર વન કુટીર ખાતે આવી પહોંચી હતી. આ સમયે આદિવાસી સમાજના લોકો અને પક્ષના કાર્યકરોને સંબોધન કરતા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા જણાવ્યું કે આદિવાસી સમાજ માટે આ એક ઐતિહાસિક ઘટના છે. આઝાદીકાળ પછી પ્રથમવાર એક આદિવાસી સમાજની મહિલાને દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ભાજપ પક્ષ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે ત્યારે હું ગુજરાત વિધાનસભા કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવાને અપીલ કરું છું કે તેઓ સરકારના એક સાચા નિર્ણયને આવકારે અને આદિવાસી સમાજના પ્રથમ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને તેમના પક્ષના તમામ ધારાસભ્ય સાથે સમર્થન આપે તેવો હું અનુરોધ કરું છુ અત્યાર સુધીમાં આદિવાસી સમાજની કદર થઇ નથી હાલની સરકારે ખરા અર્થમાં આદિવાસી સમાજની કદર કરી સમાજને દેશના સર્વોચ્ચ પદે પ્રતિનિધિત્વ આપવાનો અભિગમ અપનાવ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સર્વ સમાજને સાથે લઈને ચાલવાનો સંકલ્પ કર્યો છે જેથી તેમણે એક છેવાડાના સમાજને ખરા અર્થમાં ન્યાય આપવાનું કામ કર્યું છે ત્યારે ગુજરાતના આદિવાસીઓ નહીં પરંતુ સમગ્ર દેશના આદિવાસીઓ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે ગુજરાતના આદિવાસી સમાજ વતી હું ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો આભાર માનું છું તેમ જણાવ્યું હતું. રેલીમાં આદિવાસી સમાજના લોકો ભાજપ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ