માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે ડી વાય એસ પી અધ્યક્ષસ્થાને યોજાયેલા લોક દરબારમાં સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી.
પોલીસ તંત્રને લગતાં પ્રશ્નોનું નિરાકરણ કરવાના હેતુસર ડી. વાય.એસ.પી.બી.કે.વનાર ઉપસ્થિતિમાં લોક દરબાર નું આયોજન થયું હતું.માંગરોળના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ઇસરાણી અને સ્થાનિક આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા. જેમાં માંગરોળ મોસાલી ગામના રહેણાંક એરિયામાંથી જીઆઈપીસીએલ કંપની દ્વારા ટ્રકોમાં કોલસાનું વહન કરવામાં આવે છે. જેમાંથી રજકણો ઉડતા લોકોને મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્ન સંદર્ભમાં ડી.વાય.એસ.પી એ કોલસા ઉપર આવરણ વિના કોલસાનું વહન કરતી ટ્રકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપી હતી. માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ રસ્તાઓ પર ધુમ બાઇક પુરપાટ ઝડપે હંકારતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી હતી. આ મુદ્દે પોલીસને કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. ચંડાલ ચોકડી, મોસાલી ચાર રસ્તા વગેરે જાહેર રસ્તા પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તે અંગેની રજૂઆત થઇ હતી.આ સંદર્ભમાં જી આઈ પી સી એલ કંપની આ સુવિધા ઊભી કરી આપે તેવું આયોજન કરવાની ભલામણ કરવામાં આવી હતી. પોલીસે સ્થાનિક વેપારીઓને સી. સી.ટી.વી કેમેરા લગાવવા અનુરોધ કર્યો હતો.લોકદરબારમાં અન્ય નાના-મોટા પ્રશ્નો રજૂ થયા હતા.લોક દરબારમાં માંગરોળ મોસાલી વેપારી મંડળના પ્રમુખ અસ્લમભાઇ માંજરા, ઉપ-પ્રમુખ રાજુભાઇ મોદી,તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા મોહનભાઈ કટારીયા, ઇરફાનભાઇ મકરાણી, બકર તરકી ગુલામ માજરા, ઈશ્વરભાઈ પરમાર સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસૂરિયા : વાંકલ