માંગરોળ તાલુકાના વાંકલ ગામે તારીખ પહેલી જુનના રોજ સરકારી વિશ્રામગૃહ ખાતે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી નહીં મળવાના વિરોધમાં લડત ચલાવવાના ભાગરૂપે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
માજી ધારાસભ્ય રમણ ચૌધરી તેમજ કનુ ચૌધરીના નેજા હેઠળ વાંકલ સરકારી વિશ્રામગૃહ ખાતે બપોરે 12:00 વાગ્યે શિક્ષિત બેરોજગાર યુવાનોને ન્યાય અપાવવા માટે મિટિંગનું આયોજન કરાયું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત મિશન અંતર્ગત યુવાનોને ધંધા રોજગાર નોકરી આપવામાં આવે છે તેવા સરકારના ખોખલા દાવાને પ્રજા સમક્ષ ઉજાગર કરવા અને સરકારની ભ્રષ્ટાચારી ખોટી નીતિના વિરોધમાં આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં હજારોની સંખ્યામાં શિક્ષિત બેકારો નોકરીની શોધમાં ભટકી રહ્યા છે. સરકાર દ્વારા કોઈપણ પ્રકારના ધંધા લોન રોજગાર આપવામા આવ્યા નથી તેમજ સરકારી નોકરીની ભરતી માટેની જાહેરાતો કરે છે. જેમાં પેપરો ફૂટવાનો સિલસિલો જારી રહ્યો છે. નોકરીઓ આપવામાં આવતી નથી. આજના સમયે શિક્ષિત બેરોજગારોની હાલત કફોડી બની છે. સરકાર વહીવટમાં સદંતર નિષ્ફળ નીવડી છે અને માત્ર ભ્રષ્ટાચાર કરે છે. જેનો ભોગ ભૂતકાળમાં યુવાનો બની ચૂક્યા છે. ત્યારે શિક્ષિત બેરોજગારોને સાંપ્રત સમયમાં ન્યાય મળે એ માટે સામુહિક પ્રયાસ અભિગમથી ન્યાય મળે એ માટે માંગરોળ ઉમરપાડા તાલુકાના જાગૃત શિક્ષિત યુવાનો વાલીઓ અને સંનિષ્ઠ આગેવાનો સહિયારા પ્રયાસથી સરકાર સામે લડત કરે એજ સમયની માંગ છે.આ મિટિંગમાં બેકારીના ભોગ બનેલા યુવાનોને બેકારી ભથ્થું મળે તેવી પણ એક માંગ કરવામાં આવનાર છે. રોજગારીના હક માટે થનાર આંદોલનમાં સહયોગની આગેવાનો એ અપીલ કરી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ