માંગરોળ તાલુકાના વાંકલ ગામની પ્રાથમિક શાળામા ફરજ નિષ્ઠા બની મહત્વનું યોગદાન આપનાર શાળાના આચાર્ય બચુભાઈ મગનભાઈ ચૌધરીની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા તલગાજરડા ખાતે પરમ વંદનીય સંત મોરારી બાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના દરેક જિલ્લાની શાળાઓમાં તમામ પ્રકારના પાસા ઓનુ મૂલ્યાંકન કરી દરેક જિલ્લાની શાળામાંથી એક શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવામાં આવે છે અને આ શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડ આપવામાં આવે છે ત્યારે સુરત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં મૂલ્યાંકન કર્યા બાદ માંગરોળ તાલુકાના વાંકલ ગામની પ્રાથમિક શાળાના આચાર્યની શ્રેષ્ઠ કામગીરીની નોંધ લેવામાં આવી છે.કારણ કે આ શાળાએ અનેક સિદ્ધિ હાંસલ કરી છે.
વર્ષ ૨૦૨૦/૨૧ ના ચિત્રકૂટ એવોર્ડ માટે સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ની વાંકલ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા બચુભાઇ મગનભાઇ ચૌધરીની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી થઈ છે. તેઓ વર્ષ ૨૦૧૩ થી મુખ્ય શિક્ષક, કેન્દ્ર શિક્ષક સાથે સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પ્રેરણા કુમાર છાત્રાલય વાંકલના ગૃહપતિ તરીકે નો ચાર્જ સંભાળી સફળ સંચાલન કરી વાંકલ શાળાની નવી ઊંચાઇ પર લઇ જવાનું કામ તેમણે શાળા પરિવારના સાથ સહયોગથી કર્યું છે. આ ઉપરાંત મારી શાળા ગ્રીન શાળા, મારી શાળા સ્વચ્છ શાળા, સુત્રને ખરા અર્થમાં તેમણે સાર્થક કરી સ્વચ્છતાનો એવોર્ડ પણ શાળા નામે અંકિત કર્યો છે. સેવાભાવી ખંતીલા આચાર્ય બચુભાઈ ચૌધરીએ શાળા સમય બાદ તેમજ રવિવાર હોય કે જાહેર રજા હોય પોતાનો અમૂલ્ય સમય બાળકોના હિતમાં સમય દાન તરીકે આપ્યો છે. શાળામાં ભણતા બાળકોને વિનામૂલ્યે કોચિંગ ક્લાસ ચલાવી બાળકોને રાષ્ટ્રીય કક્ષા સુધી રમતગમત ક્ષેત્રે ભાગ લેવા માટે પ્રોત્સાહિત તેમણે કર્યા છે. અત્યાર સુધી રાજ્યકક્ષાની સ્પર્ધામાં વાંકલ શાળાની ટીમને બે વખત ગોલ્ડ મેડલ ત્રણ વખત સિલ્વર મેડલ તેમજ ત્રણ વખત બ્રોન્ઝ મેડલ અપાવી સુરત જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ અને અભ્યાસિક પ્રવૃત્તિઓમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.ભાવિ પેઢીના જીવન ઘડતર ઉન્નત દિશામાં ઉત્તમ નાગરિક ભણતર સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપી શાળાને તેમજ સમાજને માર્ગદર્શક બને તેવી શિક્ષણ પદ્ધતિ ના હિમાયતી એવા વાંકલ પ્રાથમિક શાળાના આચાર્ય બચુભાઇ ચૌધરીની પસંદગી રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેના ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. તારીખ 11 /5/ 2022 ના રોજ ચિત્રકુટધામ તલગાજરડા ખાતે તેમને પરમ વંદનીય પૂજ્ય મોરારિબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે.તેમની નોંધપાત્ર કામગીરીને ધ્યાને લઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માંગરોળ જિલ્લા પ્રાથમિક શિક્ષક સુરત અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ભવિષ્યમાં પણ તેમના હાથે આવી સેવા અવિરત મળતી રહે તે માટે તેમને શુભેચ્છા પાઠવી છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ