માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત ભારતીય વિદ્યાભવન GIPCL એકેડમીમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ હિન્દુ, મુસ્લિમ ઇસાઈ, ધર્મના ગુરુઓની ઉપસ્થિતિમાં યોજાતા તેઓએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ આપ્યા હતા. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ આ વર્ષે શાળામાંથી વિદાય લઈ રહ્યા છે તેમના ભવિષ્ય તથા તેમની કારકિર્દીને ઉજ્જવળ બંને એવા મૂળ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય અતિથિ તરીકે ત્રણ ધર્મગુરુઓ પંડિત વલ્લભ જોશીજી, ફાધર. વિનય મેકવાન એસ.જે. ગુજરાત ચર્ચના કેથોલિક પ્રિસ્ટ તથા મોલાના કારી હનીફ દિવાવલા તેમજ વિશેષ અતિથિ તરીકે સચિવ એચ.પી.રાવ હાજર રહ્યા હતા. જેમાં ત્રણેય ધર્મગુરુઓ દ્વારા પોતાના ધર્મગ્રંથો વેદો-પુરાણો, બાઇબલ, કુરાન જેવા ધર્મગ્રંથોમાં જે ગુરુ અને વિદ્યાનું મહત્વ બતાવવામાં આવ્યું છે તેના અનેક ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દીમાં સફળતા મેળે તેવા આશીર્વાદ આપી વિદ્યાર્થીઓને હંમેશા હિતના સન્મુખ અને સાચા માર્ગ પર આગળ વધવા અનુરોધ કર્યો હતો શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલે પોતાના આશીર્વચન શબ્દોમાં વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધવાની, સફળતાના માર્ગમાં ચાલતા રહેવાની અને હંમેશા સત્યનો માર્ગ ચાલવા અનુરોધ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં થયેલા દરેક અનુભવ અને શિક્ષકો સાથેની તેમની જે ભાવનાઓ જોડાયેલ હતી તે વિશે તેમને પોતાના અનુભવો ભાવુક મનથી બધાની સમક્ષ રજૂ કર્યા. ત્યારબાદ ધોરણ 10 અને 11 ના વિદ્યાર્થીઓ દ્વારા એક સ્કીટનું પ્રદર્શન કરવામાં આવ્યું. સચિવ એચ.પી.રાવ એ પોતાના આશીર્વચન આપી શુભેચ્છાઓ પાઠવી હતી અંતમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ માતા-પિતા અને શિક્ષકોના આશીર્વાદ લીધા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ