ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક બનેલા માંગરોળના જલેબી હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે સમૂહ હનુમાન ચાલીસા પાઠ અને હવનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં માંગરોળ તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દેવ દર્શન પુજા-અર્ચના મહાપ્રસાદીનો લાભ લીધો હતો.
માંગરોળ ભીલવાડા રોડ પર નદીના કિનારે આવેલ જલેબી હનુમાન મંદિરમાં હનુમાન દાદાના દર્શન માત્રથી ભક્તોના મનની મનોકામના પૂર્ણ થતી હોવાથી જલેબી હનુમાન મંદિર ખાતે પ્રતિ શનિવાર શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને દેવ દર્શન કરી મહાપ્રસાદનો લાભ લેતા હોય છે પરંતુ આજે મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી નિમિત્તે કથાકાર પ્રફુલભાઈ શુક્લના સાનિધ્યમાં સમૂહ હનુમાન ચાલીસા પાઠ અને હવનનુ આયોજન મંદિર ટ્રસ્ટના સંચાલક હિરેનભાઈ પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતીના પવિત્ર અવસરે સવારથી જ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને વિશેષ પૂજા અર્ચના કરી હતી. સાંજે 4:00 કલાકે સમૂહ હનુમાન ચાલીસા પાઠ યોજાયા હતા. ધાર્મિક પર્વની ઉજવણીમાં માંગરોળના વતની અને સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજેશભાઇ પાઠક ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક પર્વનો લાભ લીધો હતો તેમજ માંગરોળ ગામના અનેક આગેવાનો ભક્તો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા ભક્તિમય માહોલનું ભવ્ય સર્જન થયું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ