માંગરોળ વિધાનસભા બેઠક ઉપરથી ગત ટર્મમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા અને પ્રદેશ કોંગ્રેસના મંત્રી નારસિગ વસાવા આખરે કોંગ્રેસ સાથે વિધિવત રીતે છેડો ફાડી ભાજપમાં જોડાતા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા એ કેસરીયો ખેસ પહેરાવી ભાજપ પક્ષમાં આવકાર્યા હતાં.
ઉમરપાડા તાલુકાના ઝરપણ ગામે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાની અધ્યક્ષતામાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા સમારંભમાં નારસિંગ વસાવા ૩૨૧ જેટલા કાર્યકરો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. નારસિગ વસાવા ઉમરપાડા તાલુકાના રાણીકુંડ ગામના વતની છે અને વર્ષોથી કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર તરીકે કામગીરી કરી છે. ભૂતકાળમાં તેમણે ઝંખવાવ જિલ્લા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ચૌધરીને હરાવી સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન બન્યા હતા તેમજ 2017 માં માંગરોળ વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડયા હતા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે હોદ્દો તેઓ ધરાવતા હતા. માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાહબરી હેઠળ આદિવાસી સમાજ ઉત્થાન માટે કામગીરી કરી રહ્યા છે સિંચાઈ સહિત અનેક પ્રકારના વિકાસલક્ષી કામો વર્ષો પછી પહેલીવાર આ વિસ્તારમાં થયા છે અમારું જે સપનું હતું તે પૂર્ણ થઈ રહ્યું છે વિકાસ કામોથી પ્રભાવિત થઈ તેઓ ભાજપ પક્ષમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. આવનારા સમયમાં ગણપતભાઇની સાથે રહી આ વિસ્તાર વધુ વિકાસલક્ષી બને તેવા પ્રયાસ કરીશું તેમ જણાવ્યું હતું સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભાની ચુંટણી સમયે તેમની સાથે હળાહળ અન્યાય કરવામાં આવ્યો હતો એક તરફ કોંગ્રેસ પક્ષે તેમને ટિકિટ આપી હતી જ્યારે બીજી તરફ બી ટી પી પાર્ટી સાથે જોડાણ કર્યું હતું અને બી ટી પી ના સત્તાવાર ઉમેદવારને મત આપવા કોંગ્રેસ આગેવાનોએ અપીલ કરી હતી છતાં મને સન્માન જનક મતો મળ્યા હતા. વધુમાં તેમણે કોંગ્રેસના અગ્રણી તુષાર ચૌધરીનું નામ લીધા વિના જણાવ્યું કે હું પ્રદેશ કોંગ્રેસના આગેવાન મંત્રી તરીકે પક્ષમાં કામ કરતો હોવા છતા તેઓ અમારી તરફ જોવા કે હાથ મિલાવવા તૈયાર નહતા ભૂતકાળમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસના મંત્રી તરીકે મેં જે ઉમેદવારોની પસંદગી કરવા ભલામણ કરી હતી તેમાંથી એક પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી ન હતી કોંગ્રેસના આગેવાનો દ્વારા અમારી સાથે ભેદભાવ ભર્યું વર્તન કરવામાં આવતું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ