માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓને પોલીસે મોડી રાતથી જ નજર કેદ કરી ગાંધીનગર ખાતે યોજાનારા યુથ કોંગ્રેસના સંમેલનમાં જતા અટકાવ્યા હતા.
થોડા દિવસો અગાઉ ગાંધીનગર ખાતે કોંગ્રેસ દ્વારા આદિવાસી સત્યાગ્રહ યોજવામાં આવ્યો હતો જેમાં માંગરોળ તાલુકામાંથી કોંગ્રેસના આગેવાનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આજરોજ ૨૮ માર્ચના રોજ ગાંધીનગર ખાતે યુથ કોંગ્રેસનું સંમેલન યોજાઇ રહ્યું છે અને રોજગારી માગવાના મુદ્દે યુવા કોંગ્રેસ દ્વારા આ સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરી, રમણભાઈ ચૌધરી, રૂપસિંગ ગામીત, મહામંત્રી શાહબુદ્દીન મલેક, પ્રકાશ ગામીત, બાબુભાઈ ચૌધરી,સહિતના આગેવાનો યુવક કોંગ્રેસના સંમેલનમાં ગાંધીનગર જવા માટે વહેલી સવારે નીકળવાના હતા પરંતુ પોલીસે રાત્રે અગિયાર વાગે આ તમામ આગેવાનોને પોતાના નિવાસસ્થાને જ નજર કેદ કર્યા હતા અને સંમેલનમાં જતા અટકાવી દીધા હતા. કોંગ્રેસના આગેવાનોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે અમે કોઈ પ્રકારનો ગુનો કર્યો હોય એ રીતે રાત્રી દરમિયાન જ અમને નજરકેદ કરવામાં આવ્યા લોકશાહી શાસન પદ્ધતિમાં હક્ક અને અધિકાર માટે અવાજ ઉઠાવવાનો સૌને બંધારણીય અધિકાર છે છતાં સત્તાના મદમાં છકેલી ભાજપ સરકારના પદાધિકારીઓ વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આજે રાજ્યના હજારો લાખો યુવાનો શિક્ષિત છે છતાં તેમને નોકરી મળતી નથી રોજગારી મળતી નથી સરકારની અણઆવડતના કારણે બેરોજગારી વધી રહી છે પોતાના હક્ક અને અધિકાર માટે યુવાનો લડત ચલાવી રહ્યા છે પરંતુ સત્તાના જોરે યુવાનોને દબાવવામાં આવી રહ્યાં છે. સરકારે હવે પ્રજાનો વિશ્વાસ ગુમાવી દીધો છે, ઠેર-ઠેરથી જાકારો મળી રહે છે ત્યારે સત્તા બચાવવા માટે કોંગ્રેસના કાર્યકરોને લોકશાહીના નિયમોનો ભંગ કરી પરેશાન કરવામાં આવી રહ્યા છે. માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ રોજગારી માટે લડત ચલાવતા યુવાનોને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. આગામી સમયમાં કોંગ્રેસ લોકહીત માટે મોટી લડત ચલાવશે.
વિનોદ મૈસુરિયા : વાંકલ