માંગરોળ તાલુકાના લવેટ ગામ નજીકથી પોલીસે બાતમીને આધારે કતલ કરવાના ઇરાદે લઈ જવાતા ગાય, વાછરડા ભરેલી પીકઅપ ગાડીને ઝડપી પાડી હતી જ્યારે પોલીસને ઓળખી ગયેલા બંને આરોપીઓ પીકઅપ ગાડી સહિત મુદ્દામાલ છોડી શેરડીના ખેતરમાં ભાગી છુટયા હતા.
માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયીને બાતમી મળી હતી કે લવેટ ગામ નજીકથી એક સફેદ કલરની પીકઅપ ગાડીમાં કતલ કરવાના ઇરાદે ઝંખવાવ ગામે ગાય વાછરડા લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીને આધારે તેમની સૂચના હેઠળ પોલીસ કર્મચારીઓ મિતેશભાઇ છાકાભાઇ, હેમંતભાઈ બાવાભાઈ, અમૃતભાઈ ધનજીભાઈ, વગેરેની ટીમ વાંકલથી લવેટ તરફ જઈ રહી હતી ત્યારે લવેટ ગામની દુધ મંડળી નજીક સફેદ કલરની પીકઅપ ગાડી આવી હતી આ સમયે ઉપરોક્ત ઇસમોને પોલીસ સામે હોવાનો અંદાજ આવી જતા પીકઅપ ગાડીને રસ્તાની સાઇડમાં મુકી આરોપીઓ શેરડીના ખેતરમાં ભાગી છૂટયા હતા પરંતુ પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઈ એ ભાગી છૂટેલા આરોપી અજમેરી નાથુ મુલતાની અને પાયલોટિંગ કરતો ગફાર ઉંમર મુલતાની બંને રહે ઝંખવાવને ઓળખી લીધા હતા. પોલીસે પીકઅપ ગાડીમાં તપાસ કરતા ચાર ગાય અને ત્રણ વાછરડા અત્યંત ત્રાસદાયક સ્થિતિમાં ટુંકા દોરડા વડે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા વિના ખીચોખીચ વાહનમાં ભરેલા હતા પોલીસે ₹. 29000 ના ગાય વાછરડા અને વાહન મળી કુલ 3,29,000 નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગુના સંદર્ભમાં પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઇ છાકાભાઈ એ ફરિયાદ આપતા આરોપીઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ ગુનામાં સંડોવાયેલા અજમેરી નાથુ મુલતાની અને ગફાર ઉંમર મુલતાની રહે ઝંખવાવ તેમજ અન્ય એક અજાણ્યો શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ