માંગરોળ તાલુકાના મોસાલી ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કિમ અને કરંજ ગામની ક્રિકેટ ટીમ વચ્ચે યોજાતા કરંજ ક્રિકેટ ટીમ ચેમ્પિયન બનતા રૂપિયા ૫૧ હજારનો રોકડ પુરસ્કાર અને ટ્રોફી વિજેતા ટીમને અર્પણ કરાયા હતા.
તમન્ના મોબાઈલના સહયોગથી મોસાલી યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. મોસાલી ગામની ક્રિકેટ ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી હતી ત્યારબાદ ફાઇનલ મેચ કરંજ અને કિમ ગામની ક્રિકેટ ટીમ વચ્ચે યોજાતા કરંજ ક્રિકેટ ટીમે પ્રથમ દાવ લઈ ૧૬૯ રન બનાવ્યા હતા જેના જવાબમાં કીમ ગામની ક્રિકેટ ટીમે ૧૪૩ રન બનાવતા પરાજય થયો હતો. કરંજ ગામની ક્રિકેટ ટીમ વિજેતા બની હતી ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ તરીકે કરંજ ટીમના યોગેશ પટેલને જાહેર કરાયા હતા તેમણે ૯૧ રન બનાવી ચાર વિકેટ લીધી હતી. જ્યારે ટુર્નામેન્ટના બેસ્ટ પ્લેયર તરીકે જીતાલી ગામની ક્રિકેટ ટીમના આસિફ મન્સૂરીને જાહેર કરાયા હતા. ચેમ્પિયન ટીમને માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયી, મોસાલી દૂધ મંડળીના પ્રમુખ મકસુદ માંજરા, કાસીમ જીભાઇ, બિલાલભાઈ પાંચભાયા, મહેબુબભાઇ રાવત વગેરેના હસ્તે રૂપિયા ૫૧ હજારનો રોકડ પુરસ્કાર અને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી જ્યારે રનર્સ-અપ બનેલી ટીમ ને રૂપિયા ૨૧ હજારનો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો આગેવાનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ