માંગરોળ તાલુકા પંચાયતની યોજાયેલી ખાસ સામાન્ય સભામાં માંગરોળ તાલુકા પંચાયતના ભાજપ પક્ષના શાસકોએ નાણાકીય આવક વધારવા ગ્રામ પંચાયતના વેરા પર 10% તાલુકા પંચાયત ઉપ કર નાંખવાના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલ વાંધા અરજી શાસકોએ સામાન્ય સભામાં રદ કરી હતી.
માંગરોળ તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા પ્રમુખ ચંદનબેન ગામીતના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ સભામાં એજન્ડા મુજબની કાર્યવાહીમા તારીખ 10 જાન્યુઆરીના રોજ યોજાયેલ સામાન્ય સભાની કાર્યવાહી નોંધને વાંચનમાં લઇ બહાલી આપવામાં આવી હતી તેમજ સામાન્ય સભામાં થયેલ ઠરાવો અને અમલીકરણ અહેવાલ વાંચનમાં લેવામાં આવ્યો હતો સને 2021-22 ના વર્ષના સુધારેલ અંદાજ અંદાજપત્ર અને સને 2022-23 ના વર્ષનું મુળ અંદાજપત્ર મંજુર થઇને આવેલ છે જેની બહાલી સામાન્ય સભામાં આપવામાં આવી હતી. મનરેગા યોજનાનું સને 2022-23 ના વર્ષનું લેબર બજેટ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યું હતું. અગાઉ તાલુકા પંચાયતના શાસકો દ્વારા તાલુકા પંચાયતની નાણાકીય આવક વધારવા માટે ગ્રામ પંચાયતના વેરા પર 10% તાલુકા પંચાયત ઉપ કર નાખવામાં આવ્યો હતો જે બાબતે જાહેર પ્રસિદ્ધિ કરાતા આ સંદર્ભમાં કોંગ્રેસ પક્ષના મહામંત્રી શાહબુદ્દીનભાઈ મલેક, રૂપસિંગ ગામીત, તેમજ કોંગ્રેસ પક્ષ સહિત કુલ ત્રણ વાંધા અરજી વેરા વધારવા સામે મૂકવામાં આવી હતી. ઉપરોક્ત વાંધા અરજીમાં વેરો નહીં વધારવા અંગે દર્શાવેલા કારણો શાસકોને યોગ્ય નહિ લગતા વાંધા અરજી રદ્દ કરવામાં આવી હતી. સામાન્ય સભામાં ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેના જવાબો શાસક પક્ષ દ્વારા આપવામાં આવ્યા હતા. આ સામાન્ય સભામાં ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર તેમજ ચૂંટાયેલા ભાજપ પક્ષના સભ્યો અને તાલુકા પંચાયત કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા મોહનભાઈ કટારીયા ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી ચંદ્રસિંહ પઢીયાર, દિલીપસિંહ છાસટીયા, વગેરે દ્વારા સામાન્ય સભાની કાર્યવાહી કરવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ