માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામના શુકલેશ્વર મહાદેવ મંદિર સહિત સમગ્ર તાલુકાના શિવ મંદિરોમાં મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવી હતી.
વેરાકુઈ ગામે શામળીયા ખાડી પાસે પોપટિયા ડુંગર નજીક આવેલ શુકલેશ્વર મહાદેવ મંદિર ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે પ્રતિવર્ષ આ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે. ચાલુ વર્ષે શુકલેશ્વર મહાદેવ ભક્ત મંડળ દ્વારા પ્રમુખ ઝવેરભાઈ હકમાભાઈ ગામીત, મહેશભાઈ શરદભાઈ ગામીત અને વૈભવ મેટલ, મહાદેવ સ્ટોન ક્વોરીના સંયુક્ત ઉપક્રમે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંદિર ખાતે સવારે દર્શન માટે ભક્તોની ભીડ ઊંમટી હતી. ઓમ વિધિ તેમજ સરસ્વતી ભજન ગ્રુપ માલદાના ભજનિક કલાકારો દ્વારા સંતવાણી અને લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. તેમજ રાજકીય આગેવાનો અને આસપાસ ગામના લોકો એ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દર્શન પૂજાનો લાભ લીધો હતો. મંદિર ખાતે પ્રસાદી ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વાંકલ ગામના પાનેશ્વર મહાદેવ મંદિર તેમજ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ પૂજા ઘી કમળના દર્શનનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. તાલુકાના માંડણ ગામે આવેલ મહાદેવ મંદિર તેમજ ઝંખવાવ ગામે આવેલ કપિલેશ્વર મંદિર ખાતે પૂજા અર્ચના શિવ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર તાલુકામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી ભક્તિભાવ સાથે લોકો દ્વારા કરવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ