મજુરો પોતે ભાડુ ભથ્થુ ખર્ચી વાહન દ્વારા વતન જવા માગે છે પરંતુ સરકારી તંત્રની મંજુરી નથી-સરકાર મંજુરી આપે તેવી માંગ.વાંકલ-માંગરોળ તાલુકા ઇંટના ભઠ્ઠા ઉપર કામ કરતા પરપ્રાંતીય મજુરોને સરકારી તંત્ર દ્વારા કોઇ પણ જાતની મદદ ના મળતા રાત્રી દરમ્યાન બાળકો સાથે પગપાળા વતન જવા નીકળી રહ્યા છે, ત્યારે આ મજુરોને વાહનો દ્વારા વતન જવાની વ્યવસ્થા કરવાની માંગ ઊઠી છે.માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં મધ્યપ્રદેશના ખરગોન અને ખંડવા જીલ્લાના મજુરો ઇંટના ભઠ્ઠા ઉપર સિઝન દરમ્યાન કામ કરવા આવે છે. ચાલુ સાલે ઇંટના ભઠ્ઠાનુ કામકાજ પૂર્ણ થવાના આરે હતુ ત્યારે સરકાર દ્વારા ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત થતા આ મજુરો ઇંટના ભઠ્ઠા ઉપર જ રોકાય ગયા હતા ત્યારે સરકાર દ્વારા પરપ્રાંતીય મજુરોને શ્રમયોજના અંતર્ગત અનાજ આપવાની તેમજ અન્ય મદદ પુરી પાડવાનુ આશ્વાસન આપવામાં આવ્યું હતું, છતાં સરકારી તંત્ર દ્વારા અનાજ આપવામાં આવ્યું નથી જેથી ઇંટાના ભઠ્ઠા માલીકો દ્વારા માનવતાના ધોરણે કામકાજ બંધ હોવા છતાં મદદ કરવામાં આવતી હતી, પરંતુ હવે ફરી તા. ૩ મે સુધી લોકડાઉન લંબાતા ઇંટના ભઠ્ઠાના માલિકો માટે મદદ કરવાનુ મુશ્કેલ બની રહ્યું હતું ત્યારે ખાનગી વાહનો મારફત મજુરોને મોકલવા ઉપર સરકારી તંત્રનો પ્રતિબંધ હોવાથી આખરે આ મજુર પરિવારોએ નાના-નાના બાળકો અને પોતાના સામાન સાથે રાત્રી દરમ્યાન વતન જવાની વાટ પકડી છે. આ મજુરોને મુખ્ય માર્ગ ઉપરથી સરકારી તંત્ર જતા અટકાવે તેમ હોવાથી મજુરો રાત્રીના સમયે ખેતરાળ માર્ગ પરથી પગપાળા નીકળી રહ્યા છે. નાના-નાના બાળકો અને સામાન ઊંચકને ચાલતા આ મજુરોની હાલત દયનીય બની છે. સરકારી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ઇંટના ભઠ્ઠા માલિકો અને મજુરો પોતે ભાડા ભથ્થાનો ખર્ચ કરવા તૈયાર છે ત્યારે સરકાર માત્ર મંજુરી આપે તેવી માંગ કરવામા આવી રહી છે.સરકારી તંત્ર મજુરોનું મેડીકલ ચેકઅપ તકેદારી વ્યવસ્થા સાથે વતન જવાની મંજુરી આપે.માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામના ઇંટના ભઠ્ઠાના માલિક શાબુદ્દીનભાઇ મલેકે જણાવ્યું કે મારા ભઠ્ઠા ઉપર મધ્યપ્રદેશના ૨૦૦ મજુરો છે. માનવતાના ધોરણે અમે સેવા પુરી પાડી રહ્યા છીએ. સરકારી તંત્ર તરફથી કોઇ સહાય સરકારે જાહેર કર્યા પછી મળી નથી. લોકડાઉન લંબાતા મજુરોની હાલત અતિ કફોડી બની છે. સરકારી તંત્ર તમામ મજુરોનું મેડીકલ ચેકઅપ કરી તકેદારીની વ્યવસ્થા સાથે વતન જવાની મંજુરી આપે તેવી અમારી માંગ છે. હાલમાં જે મજુરો રાત્રી દરમ્યાન પગપાળા જઇ રહ્યા છે તે ખુબ મુશ્કેલીમાં છે. દસ દિવસે પણ તેઓ વતન પહોંચે તેમ નથી.
લોક ડાઉન લંબાવાથી માંગરોળ તાલુકામાં ઇંટનાં ભઠ્ઠા ઉપર કામ કરતા એમ.પી. નાં મજુરોએ રાત્રી દરમિયાન પગપાળા વતન જવા નીકળ્યા.
Advertisement