માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત એન ડી દેસાઈ હાઇસ્કુલ ખાતે યોજાયેલ ઓન લાઇન ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં વાંકલ હાઇસ્કૂલની ત્રણ કૃતિઓ તેમજ વેલાછા અને કોસંબા હાઇસ્કૂલની એક-એક કૃતિઓ શ્રેષ્ઠ કૃતિઓ તરીકે પસંદગી પામી હતી.
વાંકલ એન ડી દેસાઈ હાઇસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને શિક્ષણ તાલીમ ભવન સુરતના સંયુક્ત ઉપક્રમે 17 માં SVS કક્ષાનો ઓનલાઇન ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. ઉપરોક્ત પ્રદર્શનમાં ૨૦ જેટલી કૃતિઓ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. SVS માંડવીમાંથી આવેલ નિર્ણાયકો દ્વારા પાંચ શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં વાંકલ હાઇસ્કુલ ઉત્તર માધ્યમિક વિભાગ દ્વારા માર્ગદર્શક અનંત નાયક અને વિદ્યાર્થીઓ સ્મિત ચૌધરી, બેલીમ નોમાન દ્વારા ઇકો ફ્રેન્ડલી અગરબત્તીની કૃતિ રજૂ કરાઈ હતી જે પ્રથમ ક્રમે આવી હતી. વેલાછા જય શંકર દાદા હાઇસ્કુલ દ્વારા માર્ગદર્શક સાગર જે સંઘાણી અને વિદ્યાર્થીઓ નિધિ અરવિંદસિંહ સોલંકી આયુષી નરેન્દ્રભાઈ પટેલ દ્વારા કોરોનાના કારણે અસરગ્રસ્ત આપણું શરીર અને વેક્સિન આપણાને કઈ રીતે બચાવી શકે તે કૃતિ રજૂ કરાઈ હતી જે બીજા ક્રમે આવી હતી. વાંકલ એન ડી દેસાઈ હાઇસ્કુલની બીજી કૃતિ માર્ગદર્શક મેહુલ જે સવનિયા અને વિદ્યાર્થીઓ ગામીત સિદ્ધકુમાર શશીકાંત ગામીત, ગામીત પ્રિયાંશુ તેજસભાઈ દ્વારા કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની મદદથી દ્રિઘાત સમીકરણનો ઉકેલ કૃતિ રજુ થઇ હતી જે ત્રીજા ક્રમે આવી હતી. કોસંબા વી એસ પટેલ હાઇસ્કુલ દ્વારા માર્ગદર્શક કુસુમબેન પટેલ અને વિદ્યાર્થીઓ અદિતિ પટેલ અને ઉન્નતી પટેલ દ્વારા પ્રદુષણ મુક્ત સાધન કૃતિ રજૂ કરાઈ હતી જે ચોથા ક્રમે આવી હતી. વાંકલ હાઈસ્કૂલ માધ્યમિક વિભાગના માર્ગદર્શક પંચાલ હિતેશકુમાર અને વિદ્યાર્થીઓ ક્રિશ શૈલેષભાઈ તારપરા અને પૃથ્વી વિપુલભાઈ ઇટાલીયા દ્વારા રેન ડિટેક્ટર એલાર્મ પ્રોજેક્ટ કૃતિ રજુ થઇ હતી જે પાંચમા ક્રમે પસંદ થઇ હતી. શાળાના આચાર્ય પારસભાઈ મોદી અને સાર્વજનિક કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ દેસાઈએ કૃતિના વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકોને અભિનંદન આપ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ