માંગરોળ તાલુકાની નાની નરોલી ગ્રામ પંચાયતમાં યોજાયેલ ઉપ સરપંચની ચૂંટણીમાં ભારે રસાકસી વચ્ચે અબુ બકર તર્કી 5 વિરુદ્ધ 8 મતે વિજેતા બન્યા હતા. નાની નરોલી ગામ પંચાયતની યોજાતી ચૂંટણીઓમાં છેલ્લા 20 વર્ષથી મતદારો પર પ્રભુત્વ જાળવી રાખનાર અબુ બકર તર્કી સફળ રહ્યા છે તેમના સમર્થનવાળા ઉમેદવાર ઘણીવાર ગ્રામ પંચાયતમાં વિજેતા બન્યા હતા તેમજ તેઓ પાછળની ટર્મમા તાલુકા પંચાયતના સભ્ય પદે ચૂંટાયા હતાં. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમણે ત્રિપાંખિયા ચૂંટણી જંગ વચ્ચે સરપંચના ઉમેદવાર રૂપસિંગભાઇ વસાવાને જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. માત્ર ત્રણ સભ્યો સાથે સરપંચ વિજેતા બન્યા હતા, જેમાં અબુ બકર તર્કી પણ વોર્ડ સભ્ય તરીકે વિજેતા બન્યા હતા પરંતુ ત્રણ સભ્ય સાથે ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ બનવાનું ખૂબ જ મુશ્કેલ હતું છતાં તેઓ કુનેહથી હરીફ પેનલનો સહયોગ લેવામાં સફળ રહ્યા હતા. ગ્રામ વિકાસ અને નવી ક્રાંતિના મુદ્દે આગેવાન ઉત્તમભાઈ વસાવાના સહયોગથી 4 પંચાયતના સભ્યોનું સમર્થન મેળવી 8 મતો પ્રાપ્ત કરી લીધા હતા. જ્યારે ઉપ સરપંચના હરીફ ઉમેદવાર અબ્દુલ દીવાનને 5 મત મળ્યા હતા. અબુ બકર તર્કીનો વિજય થતા સમર્થકોએ હારતોરા કરી આનંદ ઉત્સવ મનાવી ગ્રામ પંચાયતના નવા સુકાનીઓને અભિનંદન આપ્યા હતા.
વિનોદ મૈસૂરિયા : વાંકલ