ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, તેમજ તેઓની ટીમ દ્વારા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સાહેબને રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં જણાવેલછે કે હાલના સમયમાં સમગ્ર દેશ અને વિશ્વ કોરોના મહામારીના અજગર ભરડામાં છે. સરકારની સૂચના પ્રમાણે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ ફરીથી બંધ કરવામાં આવ્યું છે અને બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓનલાઇન શિક્ષણ માટે બાળક પાસે મોબાઇલ ફોન આવશ્યક છે. બધા બાળકો પાસે ફોનની સુવિધા હોતી નથી વળી, બાળકોના વાલીઓ ધંધા રોજગાર અર્થે બહાર જતા હોવાથી બાળકો પાસે ફોનની ઉપલબ્ધતા રહેતી નથી જેથી શાળાનો સમય સવારના રાખવામાં આવે તો બાળકને વાલીનો ફોન સવારના સમયે ઉપલબ્ધ બની શકે અને ઓનલાઇન શૈક્ષણિક કાર્યમાં બાળકોને સરળતા રહે. રાજ્યમાં કોરોનાની મહામારીનું સંક્રમણ પ્રતિદિન ખૂબ વધી રહ્યું છે અને શિક્ષકો મોટા પ્રમાણમાં સંક્રમિત થઇ રહ્યા છે. બાળકોને પણ શાળામાં બોલાવવામાં આવતા નથી ત્યારે ૫૦% પ્રમાણે રોટેશન મુજબ શિક્ષકોને શાળામાં બોલાવવામાં આવે તો શિક્ષકો પણ સંક્રમિત થતા બચી શકે અને બાળકોને સમયદાન આપીને પણ જયારે શિક્ષકો શૈક્ષણિક કામગીરી કરાવી રહ્યા છે ત્યારે શિક્ષકોની ચિંતા કરી ૫૦% પ્રમાણે રોટેશન મુજબ શિક્ષકોને શાળામાં બોલાવવામાં આવે તેવી અમારી માંગણી છે. હાલની કોરોનાની મહામારીમાં પણ શિક્ષકો નિષ્ઠાથી કામગીરી કરી રહ્યા છે ત્યારે કોરોના પોઝીટીવ શિક્ષકોને ખાસ રજા આપવામાં આવે તેવી અમારી માંગણી છે. વિદ્યાસહાયકોને કપાત પગારી રજા ભોગવવી પડે છે અને પ્રાથમિક શિક્ષકોને મેડીકલ રજા મૂકવી પડે છે તે ન મૂકવી પડે તે માટે શિક્ષકોને આ બાબતે ખાસ રજા આપવા પણ અમારી ગુ.રા.પ્રા.શિ.સંઘની રજૂઆત છે એમ જણાવેલ છે રાજ્ય સંઘની દીગુભાઈ, સતિષભાઈ પટેલની આ રજૂઆતને સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ આવકારેલ છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ