માંગરોળ તાલુકાના આસરમા ગામે મામલતદારે રેડ કરી બિન અધિકૃત માટી ખનન કૌભાંડ ઝડપી પાડી બે ટ્રક અને એક જેસીબી મશીન જપ્ત કરતા માટી ખનન કરનારા ઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આસરમા ગામે બિનઅધિકૃત રીતે માટી ખનન કૌભાંડ કરી માટીનું વેચાણ થઇ રહ્યું હોવાની માહિતી માંગરોળના મામલતદાર કિરણસિંહ એન રણાને મળતા તેઓ સરકારી કર્મચારીઓની ટીમ સાથે ઉપરોકત સ્થળે પહોંચી ગયા હતા. બ્લોક નંબર ૧૮૯ વાળી જમીનમાં બિનઅધિકૃત રીતે માટી ખનન થઈ રહ્યું હતું. સ્થળ ઉપર બે ટ્રકના ડ્રાઇવરો અને જેસીબી ઓપરેટર હાજર હતા તેમની પૂછપરછ કરતા અમારા શેઠનું નામ પોપટભાઈ થોભણભાઈ પટેલ છે અને તેમના પુત્ર જયસુખભાઇના નામ પર બ્લોક નંબર ૧૮૯ વાળી જમીન છે તેઓ જાણવા મળતાં જમીન માલિકને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને સરકારી પરવાનગી રોયલ્ટી અંગે પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ કોઈ આધારપુરાવા તેમની પાસે ન હતા અને કોઈ પણ સક્ષમ અધિકારીની મંજૂરી વિના માટી ખનન કરવામાં આવી રહ્યું હતું. સ્થળ ઉપર ૬ થી ૧૦ ફૂટ જેટલી માટી ખોદવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું અને આ માટીનું બિનઅધિકૃત રીતે વેચાણ કરવામાં આવતું હતું. એક ટ્રક માટીના રૂપિયા 1500 લેખે વેચાણ કરવામાં આવતું હતું દરરોજ ૨૦ થી ૨૫ ગાડી માટી વેચવામાં આવતી હતી તેવી માહિતી પૂછપરછ કરતા મળી હતી. મામલતદાર દ્વારા સ્થળ ઉપર થી બે ટ્રકો અને એક જે સી બી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. ત્રણેય વાહનોને મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. બિનઅધિકૃત માટી ખનન સંદર્ભમાં દંડનીય કાર્યવાહી માટે ભૂસ્તર વિભાગને મામલતદાર કચેરી દ્વારા જાણ કરવામાં આવી હતી. આસરમા ગામે બિન અધિકૃત માટી ખનન ઝડપાતા આસપાસના વિસ્તારમાં બિનઅધિકૃત માટી ખનન કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ