માંગરોળ તાલુકામાં કૃષિ વીજ લાઈનના વાયરોની ચોરી અટકાવવા ઝાખરડા ડુંગરી ગામના ખેડૂતો અને ભાજપ સંગઠનના પ્રમુખ સહિતના આગેવાનોએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર ને રૂબરૂ મળી પ્રબળ રજૂઆતો કરી છે.
છેલ્લા ઘણા સમયથી માંગરોળ તાલુકામાં કૃષિ વીજ લાઇનના વાયરોની ચોરીનો સિલસિલો યથાવત છે. વાયરોની ચોરી કરનારા તસ્કરોને માંગરોળ તાલુકામાં પોલીસ તંત્રની બેદરકારીને કારણે મોકળું મેદાન મળી ગયું છે. માંગરોળ પોલીસ મથકમાં પાછળના વર્ષે તેમજ ચાલુ વર્ષે વીજ વાયરોની ચોરી અંગેની ફરિયાદો નોંધાઈ ચુકી છે છતાં કોઇ કાર્યવાહી થઇ નથી એક માસ પહેલા જ ઝાખરડા ગામેથી મોટા પ્રમાણમાં કૃષિ વીજ લાઈનના વાયરોની ચોરી થઈ હતી અને ગણ્યા ગાંઠ્યા દિવસોમાં ફરી આજ ગામની સીમમાંથી 36 ગાળા વીજ વાયરોની ચોરી ત્રણ દિવસ પહેલા તસ્કરો કરી ગયા છે જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ખેડૂતોએ હવે પોતાના કૃષિ પાક વીજળી વિના બચાવવા કઈ રીતે તે એક સવાલ છે ડુંગરી ઝાંખરડા ગામના ખેડૂતો બાબુભાઈ ગામીત અરવિંદભાઈ ગામીત સહિતનું ખેડૂત પ્રતિનિધિ મંડળ અને માંગરોળ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ મુકુંદભાઈ પટેલ તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મહેન્દ્રસિંહ રણા સુરત જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપ પ્રમુખ ઈદ્રીશભાઈ મલેક સહિતના આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાઈને મળી તેમણે માંગરોળ તાલુકાના 25 જેટલા ગામોમાં અવારનવાર થતી કૃષિ વીજ લાઇનના વાયરોની ચોરી અંગે રજૂઆતો કરી હતી. ખેડૂતોએ કોઈપણ સંજોગોમાં કૃષિ વીજ લાઈનના વાયરોની ચોરીનો સિલસિલો તાલુકામાં અટકાવવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરી હતી તેમજ વીજળી વિના ખેડૂતોના પાકને થઈ રહેલ નુકસાન અંગે તેમને વાકેફ કર્યા હતા ત્યારે ફરજ પરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે પ્રતિનિધિ મંડળની રજૂઆતો સાંભળ્યા બાદ વીજ કંપનીના કર્મચારીઓનો સહયોગ લઇ કૃષિ વીજ લાઈન વાયરોની ચોરી અટકાવવા માટે ની ખાતરી હાલ તેમણે આપી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ