માંગરોળ તાલુકાના ખેડૂતોએ જંગલી જાનવરોનાં ભયના કારણે દિવસ દરમિયાન ખેડૂતોને વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરી છે. દક્ષિણ ગુજરાત વીજકંપની દ્વારા માંગરોળ તાલુકામાં હાલના સમયે ખેડૂતોને રાત્રી દરમિયાન સિંચાઇના પાણી માટે વીજળી આપવામાં આવે છે. પરંતુ ખેડૂતો રાત્રી દરમિયાન દીપડા અને ભૂંડ જેવા જંગલી જાનવરોના ભયના કારણે ખેતરમાં જઇ શકતા નથી. ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. જેથી માંગરોળ તાલુકાનાં વડ ગામનાં ખેડૂત આગેવાન પોહનાભાઈ ચૌધરી અને તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ શામજીભાઈ ચૌધરી, માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી, મોહનભાઈ કટારીયા, શાહબુદ્દીન મલેક સહિતનાં આગેવાનોએ ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને લખેલું એક આવેદનપત્ર માંગરોળનાં ઇ.મામલતદાર કે.એમ.રણાને આપી જણાવ્યું કે ખેડૂતોને રાત્રે ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે. પરંતુ આ સમય દરમિયાન જંગલી જાનવર સહિત અનેક પ્રકારનાં ભયને કારણે ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી તેમજ બીજી પાલી બદલાય ત્યારે બપોરે ૧ થી રાત્રે ૯ સુધી વીજળી આપવામાં આવે. આ સમય દરમ્યાન ખેતીમાં કામ કરતા ખેત મજૂરોને ખેડૂતે વધુ મજૂરી ચુકવવી પડે છે. જેથી ખેડૂતને આર્થિક ફટકો પડી રહ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવામાં આવે છે પરંતુ ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતાં દક્ષિણ ગુજરાતનાં આદિવાસી વિસ્તારના ખેડૂતોને દિવસની વીજળીનો લાભ નહીં આપતા અન્યાય થઇ રહ્યો છે. આ મુદ્દે ખેડૂતોમાં વીજકંપની અને સરકાર વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે ત્યારે ખેડૂતોની માંગણી સત્વારે સંતોષવામાં આવે તેવી ખેડૂત સમાજની માંગ છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ