માંગરોળ તાલુકામાં ૫૫ જેટલી ગ્રામ પંચાયતોની યોજાઈ રહેલી ચૂંટણીના સમયે જ મામલતદારની જગ્યા ખાલી રહેતા સરકારી વહીવટી તંત્ર મુશ્કેલીમાં મૂકાયું છે. માંગરોળના મામલતદારની બદલી થયા પછી ઉમરપાડાના મામલતદાર કે.એન.રાણાને માંગરોળ મામલતદાર કચેરીનો ચાર્જ સોંપાયો છે.એક તરફ જ્યારે ઉમરપાડા તાલુકાની ૩૩ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જેથી ઉમરપાડા કચેરીમાં ચૂંટણી પ્રક્રિયાને લઇ કામનું ભારણ ખૂબ જ વધી ગયું છે. ઓછા સ્ટાફ સાથે જવાબદારી નીભાવવાનુ અધિકારીઓ માટે પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે બીજી તરફ ઉમરપાડાના મામલતદારને માંગરોળના ઈન્ચાર્જ મામલતદાર તરીકે ફરજ બજાવવાનું મુશ્કેલ બન્યું છે.
માંગરોળ મોટો તાલુકો છે સાથે મામલતદાર કચેરીમાં સ્ટાફ ઓછો છે અને હાલમાં ૫૫ જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં અનેક જાતના પ્રશ્નો તંત્ર પાસે આવી રહ્યા છે. રોજિંદા સરકારી વહીવટી કામોમાં મુશ્કેલી સર્જાઇ રહી છે. મામલતદાર કચેરીમાં કામનું ભારણ વધતા સમગ્ર તાલુકાનું સરકારી વહીવટી તંત્ર મુશ્કેલીમાં મુકાઇ ગયું છે. આ મુશકેલી સંદર્ભમાં માંગરોળ મામલતદાર કચેરી દ્વારા નાયબ કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હાલમાં ઈન્ચાર્જ મામલતદાર તરીકે ફરજ બજાવતા કે.એમ.રાણા ગ્રામ પંચાયતોની ચૂંટણી અને મતગણતરી સમયે ઉમરપાડા ખાતે હાજર રહેનાર છે. ત્યારે માંગરોળમાં મામલતદારની હાજરી જરૂરી હોવાથી મામલતદારની નિમણૂક કરવામાં આવે તેવી લેખીત માંગણી કરવામાં આવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ