માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વરસેલા કમોસમી વરસાદથી કપાસ ડાંગર સહિત કૃષિ પાકોને વ્યાપક નુકસાન થયું છે સાથે ઇંટ ઉદ્યોગકારોને ફરી એકવાર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમજ લગ્ન જેવા શુભ પ્રસંગોમાં મંડપો પાણીથી તરબોળ બનતા વર કન્યાના માતા-પિતા અને પરિવાર ચિંતામાં મુકાઈ ગયા છે કમોસમી વરસાદ તમામ લોકોના માટે મોટું સંકટ બન્યો છે.
કમોસમી વરસાદથી માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ખાસ જુવાર અને કપાસના પાક અને શાકભાજીના પાકમાં મોટુ નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. થોડા દિવસ અગાઉ પણ કમોસમી વરસાદ થયો હતો અને તેનાથી વધુ નુકસાન ખેડૂતોને હાલમાં થઈ રહ્યું છે બીજી તરફ માંગરોળ તાલુકામાં ૫૦ થી વધુ ઇંટ ઉદ્યોગકારો વ્યવસાય કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા ઇંટ ઉદ્યોગકારોને મોટું નુકસાન થયું હતું અને હાલમાં જે વરસાદ પડી રહ્યો છે તેનાથી ફરી એકવાર ઇટના ધંધામાં વ્યાપક નુકસાન થયું છે.
માંગરોળ તેમજ ઉમરપાડા તાલુકમાં અનેક ગામોમાં ૧ ડિસેમ્બરની સવારથી કમોસમી વરસાદ વરસતાં લગ્ન આયોજકો ચિંતામાં મુકાયા હતાં. ૨ ડિસેમ્બર સુધી માવઠાનું સંકટ રહેવાની શક્યતાઓ છે ત્યારે માવઠું લગ્ન સીઝન માટે ચિંતા લઈને આવ્યું છે. હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. વરસાદના કારણે લગ્ન મંડપ અને ડેકોરેશન ખરાબ થઇ રહ્યા છે. પ્રસંગને યાદગાર બનાવવા લોકોએ કરેલા આયોજનો ઉપર પાણી ફરી વળ્યું છે. કમોસમી વરસાદની અસર ડેકોરેશન ઉપરાંત આવનારા મહેમાનની સંખ્યા ઉપર પણ પડે છે. સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેથી લગ્ન આયોજકો ચિંતાતુર બન્યા હતાં. કમોસમી વરસાદથી અનેક પ્રકારની મુશ્કેલી સર્જાય છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ