અદાણી ગૃપ દ્વારા Run 4 Soldiers મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય કક્ષાનાં 3000 જેટલાં સ્પર્ધકો ખૂબ જ ઉત્સાહભેર જોડાયાં હતાં. સદર આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે ફ્રી સ્ટાઈલ રેસલિંગ ચેમ્પિયન દિપક પુનિયા, ઇન્ડિયન એક્ષ આર્મી સોલ્જર સ્કાય ડાઈવર અને ફ્રી સ્ટાઈલ રેસલર વિજય ડાહ્યા ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓની પ્રેરક હાજરીમાં ફ્લેગ ઓફ કરી દોડની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રતિયોગિતામાં સ્પર્ધક તરીકે રન એન્ડ રાઇડર ટીમનાં સુકાની ધર્મેશ પટેલ (સુરત) અને સહકાર્યકર અશ્વિન ટંડેલ (વલસાડ) સહભાગી થયા હતાં. ખુશનુમા ઠંડા અને તાજગીભર્યા વાતાવરણમાં સવારે 5:45 કલાકે ડી.જે.નાં તાલ સાથે સહુ દોડવીરોએ ટ્રેક પર દોડની શરૂઆત કરી હતી. દર કિમીનાં અંતરે ઢોલી અને બેન્ડનાં સથવારો, દર બે કિમીએ હાઇડ્રેશન પોઇન્ટ, ફાસ્ટ અપ અને ચીઅર અપ ટીમ સાથે ટ્રેક ઉપર દોડવાની સ્પર્ધકોને અનેરી મજા રહી. ફિનિશ લાઇન પર આવતાંવેંત સૌનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંતમાં મેડલ વિતરણ વ્યવસ્થા પણ શ્રેષ્ઠ રહી. વિડિયોગ્રાફી, ફોટોગ્રાફર મિત્રોની ટીમ તેમજ સુરક્ષા ટીમે પણ ખડે પગે સેવા બજાવી હતી.
આ મેરેથોન દોડનાં પ્રતિસ્પર્ધી ધર્મેશ પટેલે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે મેદાનનાં એક ક્ષેત્રમાં ઇન્ડિયન એરફોર્સમાં કેવી રીતે જોડાવું એ વિશેની માહિતી ઉપયોગી થાય એવી હતી. રાષ્ટ્રધ્વજ સાથે ફોટાઓ લેતી વખતે સૌ ભાવવિભોર થયાં હતાં. આધુનિક જીવનશૈલીની સાથોસાથ આરોગ્ય પ્રત્યે દુર્લક્ષ્ય સેવનાર પેઢી શારીરિક તંદુરસ્તી વિશે જાગૃત બને અને સુટેવો તરફ વળે એ સુભાશય સાથે આ મેરેથોન દોડમાં ભાગ લઇ આ બંને શિક્ષક મિત્રોએ સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. ભવિષ્યમાં એમની ટીમનાં અન્ય મિત્રો પણ જોડાય એવી અપેક્ષા સાથે તેમણે આ દોડ રાષ્ટ્રનાં સૈન્યદળને સમર્પિત કરી હતી. તેમની દિપક પુનિયા સાથેની મુલાકાત યાદગાર બની રહેશે.
વિનોદ મૈસુરિયા : વાંકલ