માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે વીજ પોલ પર વીજ વાયરો વચ્ચે સ્પારકિગ થતા ખેતરમાં રૂ 40,000 નો ઘાસચારો સળગી ગયો હતો. વેરાકુઈ ગામની વિધવા મહિલા શોભનાબેન રવીયાભાઈ ગામીતની માલિકીની અઢી વીઘા જમીન અને ગુમનીબેન હનીયાભાઈ ગામીતની માલિકીની ચાર વીઘા જમીન વેરાકુઈ ગામની સીમમાં આવેલ છે. ઉપરોક્ત જમીન પર ડી જી વી સી એલ કંપની દ્વારા વીજપોલ ઊભા કરવામાં આવેલ છે ત્યાંથી અન્ય ખેતરોમાં વીજ લાઈન લઇ મારફત વીજ પુરવઠો જવામાં આવી છે. શોભનાબેનના ખેતરમાં ઉભા કરેલ વીજ પોલ ઉપર પવનને કારણે વીજ વાયરો વચ્ચે સ્પારર્કિંગ થતાં તણખા ઝરવાથી અઢી વીઘા જમીનમાં ઊગેલો ઘાસચારો સળગી ગયો હતો. તેમજ બાજુમાં ખેતર ધરાવતા ગુમનીબેન ગામીતની ચાર વિઘા જમીનમા ઊગેલો ઘાસચારો સળગી જતા બંને મહિલા ખેડૂત પશુપાલકને અંદાજિત ૪૦ હજાર રૂપિયાનું નુકસાન થયું છે. નુકશાનનો ભોગ બનેલી મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે વીજ કંપનીની બેદરકારીને કારણે અમને નુકસાન થયું છે. પ્રતિવર્ષ આ પ્રમાણે નાનું મોટું નુકસાન કાયમી ધોરણે થાય છે જેથી વીજ કંપની દ્વારા અમને ઘાસચારાની નુકશાની પેટેનું વળતર ચૂકવવામાં આવે તેમજ અમારા ખેતરમાંથી અન્ય જગ્યાએ વિજ પોલ ખસેડી લેવામાં આવે તેવી અમારી માંગ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ