ભારતીય વિદ્યાભવન જી.આઇ.પી.સી એલ એકેડમીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ ભારતના “લોખંડી પુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની 146 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે તેમના યોગદાન વિશે જાગૃતિ ફેલાવીને રાષ્ટ્રની એકતાની કેળવવાનો હતો.
આચાર્ય વૈભવ અગ્રવાલે દીપ પ્રાગટ્ય કરી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમણે વક્તવ્યમાં જણાવ્યું કે સ્વતંત્ર ભારત દેશની એકતા અને અખંડિતતામાં તેમનું મોટું યોગદાન રહ્યું છે. વિદ્યાર્થીઓએ ભારતના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા વિશે માહિતી આપી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની 140 મી જન્મજયંતિ નિમિત્તે 2015 માં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ એક કાર્યક્રમ છે, જેનો હેતુ વિવિધ રાજ્યોના વિવિધ સંસ્કૃતિના લોકો વચ્ચે ક્રિયા પ્રતિક્રિયાને સક્રિયપણે વધારવાનો છે. તે અંતર્ગત વિદ્યાર્થીઓએ ગુજરાતના જોડી ધરાવતા રાજ્ય છત્તીસગઢ અને મણિપુર, કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ જેવા અન્ય કેટલાક રાજ્યોની સંસ્કૃતિ વિશેની માહિતી શેર કરીને “આઝાદ ભારત કે રંગ” થીમ હેઠળ વિવિધ રાજ્યો વચ્ચે એકતા રજૂ કરી હતી. પ્રાદેશિક ભાષા અને પરંપરાગત પોશાકમાં સજ્જ વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવેલ વિડિયો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન પણ બતાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રાષ્ટ્રીય એકતા દિવસની પ્રતિજ્ઞા લીધી.
વિનોદ મૈસુરિયા : વાંકલ