માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગ્રામ પંચાયતના વેરા પર 10% તાલુકા પંચાયત કર નાંખવાના મુદ્દે વિશેષ ચર્ચાઓ થઈ હતી. તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીતની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. ઉપરોક્ત સામાન્ય સભામાં શાસક પક્ષ ભાજપના તમામ ચૂંટાયેલા સભ્યો તેમજ વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકા વિકાસ અધિકારી ચંદ્રસિંહ પઢીયાર તેમજ સહ અધિકારી દિલીપસિંહ છાસટીયાએ એજન્ડા મુજબ કાર્યવાહી શરૂ કરી હતી જેમાં અગાઉ યોજાયેલ સામાન્ય સભાની કાર્યવાહી નોંધને વાંચનમાં લઈ સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી તેમજ અગાઉ થયેલ થયેલ ઠરાવોના અમલીકરણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત સામાન્ય સભામાં શાસકો દ્વારા તાલુકા પંચાયત સ્વભંડોળની રકમ વધારવાના હેતુસર ગ્રામ પંચાયતોના વેરા પર 10% તાલુકા પંચાયત કર નાંખવા બાબતે વિશેષ ચર્ચાઓ આ સામાન્ય સભામાં કરવામાં આવી હતી. જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી હવે નજીકમાં છે ત્યારે આ મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે. વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા મોહનભાઈ કટારીયા દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેના શાસકો દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા. તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખ ભરતભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર, તાલુકા પંચાયતના સદસ્યો ડૉ.યુવરાજસિંહ સોનારીયા, તૃપ્તિબેન મૈસુરીયા, મનહરભાઈ વસાવા ભૂમિબેન વસાવા હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ