માંગરોળ તાલુકાના રણકપોર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં અંબુભાઈ પટેલ બિનહરીફ વિજેતા થતાં સભાસદોએ ફટાકડા ફોડી આનંદ ઉત્સવ મનાવ્યો હતો. તારીખ 17 ના રોજ રણકપોર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની યોજાયેલી ચૂંટણીમાં અંબુભાઈ પટેલના નેતૃત્વવાળી સહકાર પેનલનો ભવ્ય વિજય થયો હતો ત્યારબાદ મંડળીના પ્રમુખ પદ માટે તારીખ 23 ના ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૂંટણી અધિકારી તરીકે નરેન્દ્રભાઈ સોલંકી અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોસંબાના સેક્રેટરી અજીતસિંહ અટોદરિયાના નેતૃત્વ હેઠળ પ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાઇ હતી. પ્રમુખ પદ માટે અંબુભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી તેમની દરખાસ્ત મંડળીના કમિટી સભ્યો કરસનભાઈ હીરાભાઈ પટેલે કરી હતી અને ટેકો પ્રભુભાઈ ઈશ્વરભાઈ પટેલે આપ્યો હતો. પ્રમુખ પદ માટે નિયત સમયમાં એકમાત્ર ઉમેદવારી નોંધાઈ હતી જેથી ચૂંટણી અધિકારીએ અંબુભાઈ પટેલને પ્રમુખ પદે બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.
મંડળીના સભાસદોએ મંડળી પ્રાંગણમાં ફટાકડા ફોડી આનંદ ઉત્સવ મનાવ્યો હતો અને મંડળીના કમિટી સભ્યો સભાસદો દ્વારા અંબુભાઇ પટેલને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. રાજકીય અને સહકારી ક્ષેત્રે કસાયેલા પીઢ અગ્રણી આગેવાન અંબુભાઈ પટેલ છેલ્લા ૧૨ વર્ષથી રણકપોર દૂધ મંડળીનું સુકાન સંભાળી રહ્યા છે તેમના નેતૃત્વમાં મંડળી વિકાસના પંથે આગળ વધી રહી છે તેમના સ્વચ્છ પારદર્શક વહીવટના કારણે મંડળીનું ટર્નઓવર ત્રણ કરોડથી વધી 21 કરોડ સુધી પહોંચી ગયું છે. મંડળીમાં પશુપાલક સભાસદો માટે સુવિધાલક્ષી અનેક કામગીરી કરવામાં આવી રહી છે. ખેડૂત પશુપાલકોને ખાતરની સુવિધા મળી રહે એ માટે રૂપિયા ૬૦ લાખના ખર્ચે ગોડાઉન બનાવવામાં આવ્યું છે તેમજ ગામના કેટલાક વિકાસલક્ષી કામોમાં મંડળી સહયોગ આપી રહી છે ત્યારે ફરી એકવાર પાંચ વર્ષ માટે રણકપોર દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું સુકાન સભાસદોએ અંબુભાઈ પટેલને આપ્યું છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ