માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તા ખાતે બાયોડીઝલનું બિનઅધિકૃત રીતે વેચાણ કરનારા એક શખ્સને પોલીસે ઝડપી પાડી રૂપિયા 2,74,400 મુદ્દામાલ કબજે લીધો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા એક શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
માંગરોળ પોલીસ મથકના એ.એસ.આઇ મહેન્દ્રભાઈ સનાભાઇને બાતમી મળી હતી કે મોસાલી ચાર રસ્તાથી નાની નરોલી તરફ જવાના માર્ગ ઉપર એક ઇસમ પોતાના કબજાની જગ્યા પર બિનઅધિકૃત રીતે બાયો ડીઝલનું વેચાણ કરે છે. જેથી ઉપરોક્ત સ્થળે તપાસ કરવામાં આવતા એક ટેમ્પામાં સિન્ટેક્ષની મોટી ટાંકી મૂકી હતી અને તેના ઉપર મોટી તાડપત્રી ઢાંકી બાયો ડિઝલનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. તેમાંથી કોઈપણ જાતના લાયસન્સ વિના બાયોડીઝલનું વેચાણ ઇસમ કરી રહ્યો હતો. પોલીસે તેનું નામ પૂછતા કાસમ અબ્દુલ શેખ રહે. નાની નરોલી ગામ, પટેલ ફળિયુ, તાલુકો માંગરોળ જિલ્લો સુરતનો વતની હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસમાં ઉપરોક્ત બાયોડિઝલનો જથ્થો અને વાહન કીમ ચાર રસ્તા ખાતે રહેતા દિલીપભાઈ ભેરુમલ શાહ દ્વારા લાવવામાં આવ્યો હતો. બંને ઇસમો એકબીજાની મદદગારીથી બિન અધિકૃત ધંધો કરી રહ્યા હતા. પોલીસે એક ટેમ્પો તેમજ અન્ય સામાન મળી ફુલ 274400 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ ઈસમો મહારાષ્ટ્રના નંદરબાર તાલુકાના વિસરવાડી ખાતેથી ઉપરોક્ત બાયોડિઝલનો જથ્થો લાવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે કાસમ અબ્દુલ શેખની ધરપકડ કરી છે.જ્યારે દિલીપ ભેરૂમલ શાહને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ