માંગરોળના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાની ભાજપ મહિલા મોરચાની રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિમણૂંક કરાતા આદિવાસી સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. માંગરોળ ખાતે ભાજપના આગેવાનો કાર્યકરોએ ગણપતભાઇ વસાવાની નિમણૂકને આવકારી ભવ્ય સન્માન કર્યું હતુ.
કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા હાલમાં ગુજરાત સરકારના વન આદિજાતિ વિકાસ અને મહિલા બાળ કલ્યાણ વિભાગનો હવાલો સંભાળે છે તેમની હકારાત્મક કામગીરી અને કામ કરવાની ઉમદા શૈલીથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પ્રભાવિત થયા છે તેમણે ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય કારોબારી સમિતિના વિશેષ આમંત્રિત સભ્ય તરીકે ગણપતભાઇ વસાવાની નિમણૂક કરી છે. પ્રથમવાર રાષ્ટ્રીય સ્તરે તેમને સ્થાન મળતાં માંગરોળ તાલુકા સહિત સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજમાં આનંદની લાગણી ફેલાઇ છે. આદિવાસી સમાજ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ સહિત તમામનો આભાર માન્યો હતો.
ભાજપ સંગઠનમાં રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન પામી માંગરોળ ખાતે ગણપતભાઈ વસાવા આવી પહોંચતા સુરત જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના અધ્યક્ષ અફઝલ ખાન પઠાણ, જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ સુરતી, સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, સુરત જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ ઈદ્રીશભાઈ મલેક, કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર સહિત સંખ્યાબંધ આગેવાનો અને સરપંચો દ્વારા હારતોરા કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ