માંગરોળ તાલુકાના દેગડીયા ગામે આદિવાસી ખેડુત પશુપાલકના ગાય, બળદ સહિત ચાર પશુઓના અચાનક મોત નિપજતા આદિવાસી પરિવારનો જીવન ગુજારવાનો આધાર છીનવાઈ ગયો હતો.
હાલ સમગ્ર પરિવાર નિરાશામાં ગરકાવ થયો છે, દેગડિયા ગામના આદિવાસી ખેડૂત ધીરુભાઈ વેસ્તાભાઈ ગામીત સામાન્ય ખેતી અને પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરાત્રિ દરમિયાન એક ગાય બે બળદ અને એક વાછરડાના સહિત કુલ ચાર પશુઓના ઘર આંગણે અચાનક મોત નિપજયા હતા. આ ઘટના બનતા આદિવાસી પરિવારના પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેવો અહેસાસ ખેડૂત અને પરિવારને થયો હતો. કારણ કે બાળકોની જેમ ઉછેરેલા પશુઓના મોત થતા જીવન ગુજારવાનો આધાર છીનવાઈ હતો. ઘરની મહિલાઓના રુદન આક્રંદના કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. પશુઓના મોતનું કારણ ઘાસચારામાં ઝેર ખાવાથી થયું હોવાનું હાલ અનુમાન થઈ રહ્યું છે પરંતુ અન્ય પશુઓએ પણ આજ ઘાસચારો ખાધો હતો. બીજા પશુઓના મોત થયા નથી પશુઓના મોત પશુપાલકને અંદાજિત 1,20,000 રૂપિયાનું નુકસાન હાલ થયું છે. આ ઘટનાની જાણ માંગરોળના સરકારી પશુ ચિકિત્સક અધિકારી ડોક્ટર એચ.જે.કાવાણીને કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મોતના કારણ અંગે તપાસ કરી હતી તેમજ મૃત પશુઓના લોહી પેશાબ સહિત તમામ નમુનાઓ લેવામાં આવ્યા છે. આ સંદર્ભમાં તેમણે પ્રાથમિક તપાસમાં ઘાસચારામાં ઝેર ખાવાથી પશુઓના મોત થયા હોવાનું જણાવ્યું છે. પરંતુ રિપોર્ટ આવ્યા બાદ પશુઓના મોતનું કારણ જાણી શકાશે.
વિનોદ મૈસુરિયા : વાંકલ