માંગરોળ તાલુકાના નાનીનરોલી ખાતે કાર્યરત જી.આઇ.પી.સી.એલ કંપનીમાં કામદારોને ઓછું વેતન સહિત અનેક પ્રશ્નોનું નિરાકરણ નહીં થતાં અકળાયેલા કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા.
છેલ્લા ઘણા જી.આઇ.પી.સી.એલ કંપનીના કામદારો વ્યાપક પ્રમાણમાં શોષણ થઈ રહ્યું હોવાની ફરિયાદ કરી રહ્યા છે આ પ્રશ્નોનો કોઇ નિરાકરણ આવતું નથી જેથી કામદાર યુનિયનમાં ભારે રોષ ફેલાયો છે 700 જેટલા કામદારોએ સવારથી જ વિરોધ દર્શાવી હડતાલ ઉપર ઉતરી ગયા હતા.
કામદારોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી અમે કંપનીમાં કામ કરીએ છીએ પરંતુ અમારા પગારમાં કોઇપણ જાતનો વધારો કરવામાં આવતો નથી. બોઇલર એરિયામાં કામ કરતા કામદારોનો છેલ્લા ચાર-પાંચ માસથી પગાર થયો નથી સેફ્ટીના સાધનો બુટ યુનિફોર્મ સહિત કોઈપણ પ્રકારની વસ્તુઓ પૂરી પાડવામાં આવતી નથી. જી.આઇ.પી.સી.એલ ખાતે લેબર કમિશનર દ્વારા યોજાતી મહત્વની બેઠકમાં પણ કામદારોને બોલાવવામાં આવતા નથી. લેબર કમિશનર ફક્ત કોન્ટ્રાકટર અને મેનેજમેન્ટને મળીને જતા રહે છે. કોરોના કાળ દરમિયાન જે કામદારોએ રેગ્યુલર કામ કર્યું છે તેમને પણ યોગ્ય વળતર ચુકવવામાં આવ્યુ નથી અને કંપનીના એમ્પ્લોયને એક્સ્ટ્રા 15000 રૂપિયાનો વળતર આપવામાં આપી કામદારો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો છે જે કામદારો કોરોનામાં સપડાયા હતા તેમના મેડિકલ બિલ પણ આપવામાં આવ્યા નથી. જી.આઇ.પી.સી.એલ તરફથી કામદારોને કોઇ વિશેષ સુવિધાઓ અપાઈ નથી. આ કંપની અમારું શોષણ કરી અમને હક આપતી નથી એવા અનેક પ્રકારનાં આક્ષેપો કામદારો દ્વારા કરવામાં આવ્યા હતાં. હડતાળ પર ઉતરેલા કામદારોએ પગાર વધારવા સાથે કંપનીમાં કાયમી થવાની માંગ કરી રહ્યા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ