માંગરોળના વાંકલ ગામે મુખ્ય માર્ગ પર ટ્રક અને ડમ્પરમાંથી પથ્થર તેમજ મેટલ માર્ગ પર પડતાં વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.
વાંકલ ગામે મુખ્યમાર્ગ પર સ્વામિનારાયણ મંદિર પાસે ટ્રક અને ડમ્પરમાં ભરીને લઈ જવાતાં મેટલ તેમજ પથ્થર રસ્તા પર પડતાં વાહનચાલકો માટે રસ્તા પર વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું અને વાહનચાલકો વચ્ચે અકસ્માત સર્જાય તેવી ભીતી સર્જાઈ હતી. માંગરોળ તાલુકામાં ચાલતી સ્ટોન ક્વોરીઓ દ્વારા દોડાવવામાં આવતી ટ્રકો અને ડમ્પરો કોઈપણ જાતનું આવરણ ઢાંક્યા વગર પથ્થર તેમજ મેટલનું વહન કરી રહ્યા છે. આ ટ્રકો ઉપર આવરણ ઢાંકેલું ન હોવાને કારણે મેટલ અને પથ્થર રસ્તા પર પડતાં વાહનચાલકો માટે મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. વાંકલ ગ્રૃપ ગ્રામપંચાયત દ્વારા સ્ટોન કવોરી સંબંધિત લોકોને લેખિતમાં આ બાબતે જાણ કરાઇ હતી પરંતુ સ્ટોન કવોરીના ટ્રક તેમજ ડમ્પર ચાલકો તેની અવગણના કરી રહ્યા છે અને કોઈ પણ જાતના આવરણ ઢાંક્યા વગર બેફામ હંકારી લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ ? આ અંગે કોઈ નિરાકરણ આવે છે કે નહિ તે જોવું રહેશે.
વિનોદ મૈસુરિયા : વાંકલ