પ્રવર્તમાન કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને પગલે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ છે. આ વિપરીત પરિસ્થિતિ વચ્ચે ચાલુ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવનો જાહેર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. પરંતુ ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, સીથાણનાં કૉ-ઓર્ડિનેટર રાકેશ મહેતાએ આ પરંપરાને જાળવી રાખવા દ્રઢ નિશ્ચય કર્યો હતો. જેનાં પરિણામ સ્વરૂપ સીથાણ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં પ્રવેશ પામેલ બાળકોને તેમનાં પોતાનાં ઘરે બેઠાં શાળા પ્રવેશોત્સવની અનુભૂતિ થવા પામી હતી.
સીથાણ કેન્દ્ર સંલગ્ન ગામોની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં પ્રવેશ પામેલ તમામ બાળકોનાં ઘરેઘરે જઇ સી.આર.સી. કૉ-ઓર્ડિનેટર રાકેશ મહેતાનાં માર્ગદર્શન હેઠળ જે-તે પ્રાથમિક શાળાઓનાં શિક્ષકોનાં હસ્તે દાતાઓ તરફથી મળેલ શૈેક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ બાળકો આનંદિત થયા હતા. દરેક ગામોમાં વાલીઓ તેમજ એસ.એમ.સી. સભ્યોએ આ નવીન પહેલને આવકારી હતી. સીથાણનાં કેન્દ્રાચાર્યા શ્રીમતી કરિશ્માબેન પટેલે સૌ દાતાઓનો બાળકો તેમજ શિક્ષકો વતી હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ