માંગરોળ તાલુકાના આંકડોદ ગામે બકરી ઈદના તહેવારમાં ગાયની કતલ કરી રહેલા બે શખ્સોને પોલીસે રેડ કરી ૧૮૫ કિલો ગૌમાંસ સાથે ઝડપી પાડી રૂ. ૧૮૭૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપી ઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
માંગરોળ પોલીસ મથકના એ.એસ.આઇ. કિરણભાઈ બાલુભાઇ, પ્રવિણસિંહ શાંતુભા ગોહિલ, અમૃતભાઈ ધનજીભાઈ, ઉત્સવભાઈ કાંતિલાલભાઈ, વગેરે બકરી ઇદના તહેવાર નિમિત્તે પેટ્રોલિંગમાં હતા ત્યારે કોસાડી ગામેથી બાતમી મળી હતી કે આંકડોદ ગામે દાઉદશાહ પીરની દરગાહ નજીક ખલીલ અબ્દુલ કાજીના નવા બંધાતા મકાનમાં કેટલાક ઇસમો બકરી ઈદના તહેવારમા ગાયોની કતલ કરીને ગૌમાંસ વેચાણ કરનાર છે જેના આધારે પોલીસ કર્મચારીઓએ ઉપરોકત સ્થળે રેડ કરતા મકાનના વચલા રૂમમાં એક શખ્સ ગાયની કતલ કરી માંસનું કટિંગ કરી રહ્યો હતો તેને ઝડપી લઇ નામ પુછતા અબ્દુલ સમદ યુસુફ બદાત રહે. કોસમડી ગામ તા. અંકલેશ્વર જી.ભરૂચ નો હોવાનું જણાવ્યું હતું, જ્યારે બીજો એક શખ્સ ગાયનું ચામડું ભેગું કરી રહ્યો હતો તેને ઝડપી લઇ નામ પુછતા ગુમાનભાઈ દીપલાભાઈ વસાવા રહે. આંકડોદ ગામ તા. માંગરોળ જી. સુરતનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ૧૮૫ કિલો માંસ તેમજ ગાયનું શીંગડા સાથેનું માથું નાના-મોટા છરા કુહાડી દોરડું સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ માંગરોળના સ્થાનિક વેટેનરી મેડિકલ ઓફિસરને સ્થળ પર બોલાવી ચકાસણી કરાવતા તેમણે પ્રાથમિક તપાસમાં કતલ થયેલ પશુ ગાય હોવાનો અભિપ્રાય આપ્યો હતો. ઝડપાયેલા આરોપી અબ્દુલ સમદ યુસુફની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે બકરી ઈદનો તહેવાર હોવાથી ગૌમાસ વેચાણ કરવા માટે ગાય આંકડોદ ગામે રહેતા મારી બહેનના સસરા મહંમદ કાજીએ આપી હતી જ્યારે મકાન માલિક ખલીલ અબ્દુલ કાજીની સંડોવણી હોવાથી પોલીસે આ બંને આરોપીને હાલ વોન્ટેડ જાહેર કર્યા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ