માંગરોળ તાલુકાના વાંકલ ગામે અદ્યતન આધુનિક સુવિધાથી સજ્જ શરૂ થઇ રહેલ લાઇફ લાઇન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ માંગરોળ તાલુકા સહિત સમગ્ર વિસ્તારના લોકો માટે અગામી દિવસોમાં આશીર્વાદરૂપ બની રહેશે. માંગરોળ સહિત આસપાસના તાલુકાનાં લોકોએ આરોગ્ય સેવા માટે મોટા શહેરો સુધી દોડવું પડી રહ્યું છે. છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકોની વર્ષ જૂની આરોગ્ય સેવાની સમસ્યા હવે દૂર થઈ રહી છે. તાલુકાના મધ્ય ભાગમાં આવેલ વાંકલ ગામે શહેરોની હોસ્પિટલોની સમકક્ષ અત્યંત આધુનિક સુવિધા સજ્જ હોસ્પિટલનું નિર્માણ વાંકલ ખાતે થઇ રહ્યું છે.
શ્રદ્ધા સબુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોની સેવા કરવાની ભાવનાથી ૫૦ બેડની ક્ષમતા વાળી લાઇફલાઇન મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલનો પ્રારંભ ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલનું મકાન (અંદાજે ૧૫૦૦ ચો.ફૂટ)તૈયાર થઈ ગયું છે. હોસ્પિટલ સંબંધિત ફર્નિચર પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.
પ્રથમ તબક્કામાં જનરલ મેડિસિન વિભાગ, આંખ વિભાગ તથા પ્રસુતિ વિભાગ શરૂ કરવામાં આવશે. લાઇફલાઇન મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, તેમજ લેબ-ટેકનિશિયનની ભરતી માટે પર્સનલ ઇન્ટરવ્યુ તાજેતરમાં રાખવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ટરવ્યૂ માટે સુરત સંબંધિત ક્ષેત્રના નામાંકિત ડોક્ટર થતા તજજ્ઞોએ વિનામૂલ્યે સેવા આપી હતી. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ હોસ્પિટલમાં રાહત દરે વૈદકીય સેવાઓ ઉપલબ્ધ કરાશે. ઉપરાંત વૈદ્યકીય તપાસ અંગે જરૂરી પેથોલોજી લેબોરેટરી, એક્સ-રે, સોનોગ્રાફી તથા મેડીકલ સ્ટોરની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
ઉપરોક્ત હોસ્પિટલ ખાતે સ્થાનિક રાજકીય આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકોએ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શિરીષભાઈ નાયક તેમજ સંજયભાઈ દેસાઈ અને ટ્રસ્ટીઓ સંચાલકોને આરોગ્યલક્ષી સેવા કાર્યનો પ્રારંભ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.વધુમાં આ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ ટ્રસ્ટીઓ ને શુભેચ્છા સંદેશ પાઠવી આરોગ્ય સેવામાં જરૂરી સહયોગ આપવાની તત્પરતા દર્શાવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ