સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરદા, ખોડાંબા અને વડપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામજનોમાં વેક્સિન લેવા અંગેની જાગૃતિ આવે તેવા આશયથી વન, આદિજાતિ મહિલા અને બાળ વિકાસ મંત્રીગણપતસિંહ વસાવા ‘વેક્સિન ઉત્સવ’માં સહભાગી થયા હતા.
આ પ્રસંગે મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, કોરોના સામે લડવા માટે વેક્સિન જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. નિષ્ણાતો અને તજજ્ઞો કોરોનાના ત્રીજા વેવની સંભાવના જોઈ રહ્યા છે, ત્યારે આપણે વધુને વધુ લોકોને સુરક્ષિત અને સલામત કરી શકીએ એ જ આપણું લક્ષ્ય છે. ગ્રામ્ય વિસ્તારોના લોકો કોઇ પણ પ્રકારના અંધશ્રધ્ધા કે ભય વિના રસી મુકાવે તે સમયની માંગ છે. કોરોના જેવા છુપા દુશ્મનનો સામનો કરવા વેક્સિન લેવાનો અનુરોધ કરીને વધુમાં વધુ નાગરિકોએ રસીકરણ કરાવવું જોઈએ તેમ જણાવ્યું હતું.
તેમણે આ વેળાએ વધુમાં કહ્યું કે, રાજ્યભરમાં ૨.૪૦ કરોડ લોકોએ રસી લીધી છે. કોરોનાની બીજી લહેરમાં ૨૫૦ મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરીયાત વધીને ૧૧૦૦ મેટ્રીક ટન થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા ૧૬ હજાર બેડની સંખ્યા વધારીને ૧.૩૭ લાખ બેડ કરવામાં આવી છે. વધુમાં મંત્રીશ્રીએ આપણી ઘર, વાડીના શેઢાની આસપાસ વૃક્ષોનું વાવેતર કરીને આવનારી પેઢીને સ્વસ્થ અને સક્ષમ બનાવવાની અપીલ કરી હતી. સાથે આ વિસ્તારના કેવડી અને સરવણ ફોકડીના ગ્રામજનોનું ૮૫ ટકા વેક્સિનેશન થયું છે, જે બદલ તેમણે જાગૃત અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીતથા અન્ય અગ્રણીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ‘વેક્સિન ઉત્સવ’ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન, પ્રાંત અધિકારી જનમ ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી અંકિત ગોહિલ, અગ્રણી રાજેન્દ્ર વસાવા, ગંભીરસિંહ વસાવા, દરિયાબહેન તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ