આપણી ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિનુ દુનિયાને આગવું યોગદાન એટલે યોગ મન આત્મા અને શરીરના સ્વાસ્થ્ય માટે યોગ શ્રેષ્ઠ છે. કોરોના સામેના આ જંગમાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો ઉપાય પણ યોગ જ છે, ત્યારે કોરોના સંકટ દરમિયાન ઘરે રહીને પણ મંત્રીઓ, પદાધિકારીઓ, નાગરિકોએ ‘‘હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત’’ની થીમ પર યોગદિનની ઉજવણી કરી હતી.
વિશ્વ યોગ દિવસે વહેલી સવારે વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાએ ઉમરપાડા ખાતે, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે બાબેન ખાતે તથા આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ ફુલપાડા ખાતે તથા અન્ય પદાધિકારીઓએ વિવિધ યોગમુદ્રામાં યોગાસનો કરી સૌ નાગરિકોને- સુરતવાસીઓને ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. યોગના મહત્વને ઉજાગર કરતા શારીરિક, માનસિક અને વૈચારિક તંદુરસ્તી પ્રદાન કરતી યોગ વિદ્યાને દૈનિક જીવનમાં સામેલ કરી જીવનને ઉત્તમોત્તમ બનાવવા તથા તંદુરસ્ત આનંદમય જીવન જીવવાનો આરોગ્ય મંત્રીશ્રી અને મેયરશ્રીએ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત શહેર-જિલ્લામાં સોશિયલ ડિસ્ટીન્સીંગ સાથે નાગરિકોએ યોગદિનની ઉજવણી કરી હતી.
વિનોદ મૈસૂરિયા : વાંકલ