આજે 31 મી મે સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે સુરત જિલ્લાનાં મોટા મિયાં માંગરોળ મુકામે આવેલ વિશ્વ વિખ્યાત અને કોમી એકતાની મિશાલ ધરાવતી ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેમના સુપુત્ર – ઉત્તરાધિકારી ડૉ. મતાઉદ્દીન ચિશ્તી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં અને વિશેષત: દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં એક લાખ લોકોને વ્યસન મુક્ત કરવાનું ભગીરથ અભિયાનું લક્ષ્ય સફળતા પુર્વક પાર પાડવામાં આવ્યું અને ત્યારબાદ નિરંતર આ અભિયાન ચાલું રાખવામાં આવેલ છે. વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે પરંતુ કોરોના મહામારીને લઇ આ વર્ષે ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે.
આજે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે ખરા અર્થમાં અનેક લોકોને વ્યસન મુક્ત કરતી મોટામિયાં માંગરોલની ગાદીની સેવાસૂચીમાં અનોખો ઉમેરો થયો છે. આ ગાદીના વિવિધ સિદ્ધાંતોમાં માનવતા, કોમી- એકતા, ભાઇચારો, ઘેર- ઘેર ગાય પાળો, ઘેર-ઘેર વૃક્ષો વાવો, શિક્ષણ તેમજ આધ્યાત્મિકતા મોખરે રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૦૧ વર્ષ પહેલા આજ ગાદીના મહાન સંત હિઝ હોલીનેસ રાજવલ્લભ ખ્વાજા માટામિયાં ચિશ્તી ત્રીજા (રદી.) સાહેબ દ્વારા ઘેર-ઘેર ગાયો પાળવાનો અભિયાન શરૂ કરી એક લાખ ગાયો પાળવાનો ભગીરથ લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવેલ હતો. તે સમયે મદનમોહન માલવિયાએ મુંબઈના માધવબાગ ખાતે એક વિશાળ કાર્યક્રમ યોજીને તેઓનું સુવર્ણચંદ્રક, માનપત્ર આપીને જાહેર સન્માન કરવામાં આવેલ હતું, તેઓએ સુવર્ણ ચંદ્રક પરત કરી જનસેવાના ઉપયોગમાં લેવા જણાવ્યું હતું. તેમની પરંપરા પણ હિઝ હોલીનેસ ખ્વાજા નિઝામુદ્દીન ચિશ્તી (રદી.) અને હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રદી.) સાહેબે જાળવી, ત્યારબાદ ૨૦૦૧ થી વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી એ જ ઢબે આગળ ધપાવી રહ્યા છે. આ ગાદીના સુવર્ણ ઇતિહાસની નોંધ સરકાર તેમજ અનેક સંસ્થાઓ દ્વારા લેવામાં આવેલ છે.
વ્યસન મુક્ત અભિયાન થકી મોટામિયાં માંગરોલની ગાદીની સેવા ક્ષેત્રે મધુર સુગંધ પ્રસરાવવા હાલના ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તીના માર્ગદર્શન હેઠળ તેઓના સુપુત્ર ડો. મતાઉદ્દીન ચિશ્તી એ ૨૭ ડિસેમ્બર ૨૦૧૩ એ મોટામિયાં માંગરોળની પવિત્ર ગાદી પર વ્યસન મુક્તિ કાર્યક્રમનો આરંભ પ્રસિધ્ધ તબીબો, સામાજીક તથા ધાર્મિક આગેવાનોની હાજરીમાં ઉર્સ દરમિયાન કરવામાં આવેલ હતો. જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં જનમેદનીને ડો.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા વ્યસનમુક્તિના શપથ લેવડાવવામાં આવેલ હતા. ત્યારબાદ વિવિધ ક્ષેત્રમાંથી લગભગ ૨૫૦ કરતા વધારે સ્વયંસેવકોની ટીમ બનાવી યોગ્ય પધ્ધતિસર કાર્ય આગળ ધપાવવામાં આવ્યું, વ્યસન મુક્તિ માટે વિવિધ જાગૃતિ ફેલાવી ડો. મતાઉદ્દીન ચિશ્તીના માર્ગદર્શન હેઠળ જૂદી જૂદી રીતે લોકોને વ્યસન મુક્ત કરવામાં આવેલ હતા. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારી પેઢીને વારસામાં વ્યસન ન મળે તેની કાળજી રાખવી જોઇએ, વ્યસન મુક્ત યુવાધન ૨૧ મી સદીની આધ્યાત્મિક ક્રાંતિ માટે માધ્યમ બનશે, આ સાથે તેઓએ ટીમની સેવાને બિરદાવી આભાર માન્યો હતો. વ્યસન મુક્તિની આ ટીમ રાજ્યના અનેક જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓમાં ઘરે ઘરે જઈ વ્યસનથી પેઢીઓનો કેવી રીત નાશ થઇ જાય છે, ઉપરાંત તમાકુથી થતા આર્થિક, સામાજિક, શારિરીક, આધ્યાત્મિક તેમજ અન્ય નુકશાન કરતા પરિબળો અને આ સિવાય વ્યસન મુક્ત થવાના લાભો અને ઉપયોગી પાસાઓની ખૂબ જ સુંદર સમજૂતી અનેક કાર્યક્રમો થકી આપવામાં આવતી હતી. આ અંગેનો વિગતવાર રિપોર્ટ અને વ્યસનથી જોડાયેલા વિવિધ પરિબળો પર અનેક અધ્યાપકો દ્વારા સંશોધન કાર્ય પણ હાલ સમાપનના આરે છે. ડૉ.મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તથા ટીમ દ્વારા ૨૦૧૩ થી સતત અસંખ્ય કાર્યક્રમો થકી વ્યસન મુક્તિ માટે જાગૃતિના પ્રયાસ હાથ ધરવામાં આવે છે. વ્યસનથી મુક્ત થવામાં યુવાનો, સ્ત્રીઓ, પુરુષો તથા વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે, સંશોધનના અંતે વ્યસનોના વિવિધ પ્રકાર અને વિસ્તાર ઉપર અંતે જે નિષ્કર્ષ જણાાશે તે અનુસાર પુન: ચોક્કસ યોજના હેઠળ કાર્ય કરવામાં આવશે એમ પણ જણાવવામાં આવ્યું હતું.
એક લાખ લોકોને વ્યસન મુક્ત કરવાનું લક્ષ્યાંક પુર્ણ કર્યા બાદ પણ અનેક લોકોને લાભ થયો છે. કોઈ વ્યક્તિ ફરી વ્યસનની ન થઈ જાય તે માટે પણ સમાયંતરે તકેદારી અને સમીક્ષા કરવામાં આવે છે. વ્યસનથી થતા નુકસાનના પેમ્ફલેટ, બેનર, કાઉન્સિલીંગ તથા પીપીટી, સંદેશાઓ અને વક્તાઓ મારફતે દર વર્ષે કાર્યક્રમ કરવામાં આવે છે. વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા પણ આજના સમયમાં આ ઉમદા સેવા અને સમાજ ઉપયોગી થતી પ્રવૃત્તિની પ્રશંસા કરવામાં આવી છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે, મોટામિયાં માંગરોળની ગાદીની ટીમ દ્વારા જે લોકો વ્યસનમુક્ત થયા છે તેઓની નોંધ પણ રાખવામાં આવેલ છે, વ્યસન મુક્તિ બાબતે રેલી ઓ પણ યોજવામાં આવી હતી, ઘરે ઘરે જઈ લોકો ને સમજાવવામાં આવે છે, અને હજુ વધુ લોકોને વ્યસન મુક્ત કરવાના પ્રયાસો પણ ચાલુ છે, ખરેખર આજના યુગમાં મા-બાપ પોતાના બાળકો માટે વ્યસનથી ખૂબ જ દુઃખી થાય છે, વર્તમાન સમયે સરકારશ્રી દ્વારા પણ વ્યસન મુક્ત કરવા માટે વિવિધ અભિયાન ચાલે છે તેવા સમયે મોટામિયાં માંગરોલના હાલના ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદીન ચિશ્તી સાહેબ અને તેમના અનુગામી ડૉ. મતાઉદ્દીન ચિશ્તી દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે આવનાર ભવિષ્યમાં સામાજીક ક્રાંતિનું માધ્યમ બનશે તેમ જણાઇ રહ્યું છે.
માણસ ક્યારેય દારૂને પીતો નથી પરંતુ ખરેખર તો દારૂ જ માણસને પી જાય છે શરાબના સેવનથી કેટલીક વ્યક્તિઓનું શારીરિક સ્વાસ્થ્ય જોખમાય છે, પરિણામે શરાબના સેવનથી તેઓ મરણ ના શરણે જાય છે. શરાબી યુવાનોના લગ્ન સરળતાથી થઇ શકતા નથી યુવતીઓ ના પાડી દે છે, યુવતીઓની નિર્વ્યસની પતિની પસંદગી કરે છે. શરાબી વ્યક્તિના શરીરમાં ચેતાતંત્ર, પાચનતંત્ર, શ્વસનતંત્ર, ઉત્સર્જનતંત્ર અને અસ્થિતંત્ર નબળા પડે છે જે શરાબી વ્યક્તિને મરણની ખાઈમાં ધકેલી દે છે. બીડી, સિગારેટ, તમાકુ, પાન, ચરસ ગાંજો, અફીણ, હેરોઇન, છીકણી માનવ શરીરને અનેક રીતે નુકસાન કરે છે. બીડી-સિગારેટ તમાકુના સેવનથી જીભ હોઠ દૂષિત થઈ જાય છે જીભ પર સતત ચાંદી પડવાથી કેન્સરની ગાંઠની શક્યતા વધી જાય છે, વ્યક્તિનું જીવન મૃત્યુમાં પરિણમે છે. બીડી અને સિગારેટના ધુમાડાથી ફેફસા કોષો બળી જાય છે.
બાળકો અનુકરણથી શીખે, વ્યસનથી અકાળે વૃદ્ધત્વ આવે છે, વ્યક્તિ નોકરીમાંથી વહેલા નિવૃત્ત થઈ જાય છે, સામાજિક જવાબદારી અદા કરતા પહેલા જ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે, માતા-પિતા, ભાઈ-બહેન, સગા સંબંધીઓ, મિત્રો અને સમાજ વચ્ચે માન સન્માન ગુમાવી દે છે. પૈસાનો ખોટો ખર્ચ થાય, કમાવાની શક્તિ ઘટે છે. વિવિધ રોગો વધતા સારવાર માટેનો આર્થિક બોજ વધતો જાય છે નોકરી કે ધંધામાં વારંવાર ગેરહાજરી અર્થતંત્ર પર માઠી અસર થાય છે.