વિશ્વ વિખ્યાત મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી સાથે સંકળાયેલ સંત હિઝ હોલીનેસ ખ્વાજા મતાઉદ્દીન ઉર્ફે મોટામિયાં ચિશ્તી (ર.હ) સાહેબનો આસ્તાનો પાલેજ ખાતે આવેલ છે, જયાં દર વર્ષે ચૈત્ર સુદ પુનમના દિવસે ઉર્સ- મેળો ઉજવાય છે, જેમા દેશ- વિદેશથી લાખો શ્રધ્ધાળુઓ ભાગ લે છે, જે કોરોના મહામારીને લઇ આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો હતો.
આ દિવસે હાલના સમયને ધ્યાનમાં રાખી મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના વર્તમાન અધિકૃત સજ્જાદાનશીન-ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી દ્વારા માનવસમાજને ઉપયોગી સંદેશ પાઠવવામાં આવ્યો છે. ‘નજર સમક્ષથી કેટલાય સ્વજનો સરકી ગયા, અનિશ્ચિત સમય અંતે એક નિશ્ચિત વાસ્તવિકતા સમીપે એકદમ જુદી ઢબે લઈ જઈ રહ્યો છે. ચારેયકોર અસમંજસ, મૂંઝવણ, ભય, ઉદ્વેગ અને ઉચાટનું વાતાવરણ. વિદ્વાન અને વિજ્ઞાન વિવશ તથા તબીબ હબીબ સામે લાચાર તેમ છતાં સૌની પ્રયત્નશીલતા પ્રસંશાને પાત્ર છે. જીવનની ગતિશીલતામાં આટલો અણધાર્યો વિરામ ? કંઇ નહીં, એની મરજીથી જ છે, સહર્ષ સ્વીકારીએ, આ સમયનો પણ શક્ય એટલો સદઉપયોગ કરી પોતાના અને અન્યના જીવનમાં ખખડતો ખાલીપો ભરી શકાય એમ છે.
ઓરડાના એક ખૂણામાં બેસી મનોમંથન કરીએ શું ગુમાવ્યું અને શું પ્રાપ્ત થયું, આજ સુધી જીવનયાત્રામાં અર્થસભર શું કરી શક્યા ? આ વિચારથી ઘણું સમજાશે અને કંઈક વધુ ઉપયોગી કાર્યો કરવા તથા અનેક જીવન દીપાવવા પ્રેરણા મળશે. જાણું છું જીવવું જ આ કાળ દરમિયાન ઘણા માટે પડકાર છે, ત્યાં જીવાડવું અને માણવું એનાથીય મોટા પડકારો. આમ પણ સલાહ અને સૂચનાઓથી કદાચ થાકી ગયા હોઈશું અને જો આજે નહીં થાક્યા હોઈએ તો કાલે થાકશું. સાંભળી-સાંભળીને આપણે આજ સુધી અનુસરણના નામે લગભગ માત્ર મીંડુ જ વાળ્યું છે. ઇર્ષા, કાવતરા, અહંકાર,ષડયંત્રો કે વિકારો કદાપી કામ નહીં લાગે, હવે આ પ્રકારની અયોગ્યતા ત્યજી દઇ માત્ર આજ માટે કે કાલ માટે નહી પરંતુ સદા માટે થોડી સ્વયંને સાંભળવાની ટેવ પાડી હકારાત્મ અને સર્જનાત્મક દિશામાં આગળ ધપીએ.
આજની શૈશવ માણતી પેઢી આવતીકાલે આ કપરાકાળની સાક્ષી બનશે, કંઈક ગુમાવ્યાની અનુભૂતિ અત્યારે તો તેઓને નહી જ હોય, પરંતુ આવતી કાલે આ પેઢી શું મેળવશે એ માટે આપણી કેળવણી ચોક્કસ મહત્વની ભૂમિક ભજવશે. એક- એક શ્વાસ માટે વલખા મારતા માનવીએ નિરંતર વિનામૂલ્યે મળતા કુદરતી ઓક્સિજનની કદર કરી કે અવગણના એ પ્રશ્ન અવગણી શકાય એમ નથી, અસરની આડઅસર સ્વાભાવિક હોય પરંતુ એ પછી નવો આરંભ પણ હોય. શત્રુતા અને મિત્રતા ભલે જગત પૂરતી મર્યાદિત હોય પરંતુ એના દરબારમાં તો વિજય માત્ર મિત્રતાનો જ થશે ! આજનો સમય સૂચક છે માટે જીવનના આ ફેરામાં શક્ય હોય ત્યાં સુધી ભલાઈ માટે નિમિત્ત બનતા રહીએ. આસ્થા રાખી સાથે- સાથે કાળજી, સાવચેતી અને ધૈર્ય રાખીએ, સમગ્ર માનવસમાજના સુરક્ષિત સ્વાસ્થ્ય માટે અભ્યર્થના.
વિનોદ મૈસુરીયા, વાંકલ.