બોરિયા ગામે ગત સોમવારની રાત્રી દરમ્યાન મધુભાઈ છનીયાભાઈ ચૌધરીની માલિકીનાં ખેતરમાં આવેલ એક કૂવામાં દીપડો પડી ગયો હતો. સવારે ખેતર માલિક મધુભાઈ ખેતરે જતાં તેમણે કૂવામાં દીપડાને મૃત હાલતમાં જોયો હતો ત્યારબાદ તેમણે બોરિયા ગામનાં સરપંચ નિતિનભાઈ ચૌધરીને જાણ કરી હતી. ત્યારબાદ સરપંચ દ્વારા વન વિભાગ રેન્જ કચેરીને જાણ કરતાં વન વિભાગનાં રાઉન્ડ ફોરેસ્ટ જયેશભાઇ વસાવા, કલ્પેશભાઇ ચૌધરી, સુંદરભાઈ ચૌધરી, સેવંતીલાલ પઢીયાર વગેરે વન વિભાગનાં કર્મચારીઓની ટીમ ધટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગ્રામજનોનાં સહયોગથી કૂવામાંથી મૃત દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો. કૂવામાં દીપડો પડયો હોવાની જાણ ગ્રામજનો અને આસપાસનાં રહીશોને થતાં દીપડાને જોવા લોકટોળા ઉમટી પડયા હતા. વન વિભાગનાં કર્મચારીઓની ટીમે દીપડાનો મૃતદેહ કબ્જે લીધો હતો અને સરકારી પશુ ચિકિત્સક પાસે પી.એમ. કરાવતા દીપડાનું મોત પાણીમાં ડૂબી જવાથી થયાનું જણાવ્યું હતું. વધુમાં વન વિભાગની ટીમે જણાવ્યું કે કૂવાની પેરાફીટ ન હોવાથી દીપડો કૂવામાં પડયો હોવાનું જણાય છે. દીપડો અંદાજીત પાંચ વર્ષનો અને કદાવર હતો.
માંગરોળનાં બોરિયા ગામે ખેતરનાં કૂવામાંથી વન વિભાગની ટીમે મૃત દીપડાને બહાર કાઢયો.
Advertisement