માંગરોળ તાલુકામાંથી પસાર થતાં વાંકલ ઝંખવાવ રાજ્ય ધોરીમાર્ગ અને કોસંબા તડકેશ્વર રાજ્ય ધોરીમાર્ગ અતિશય બિસ્માર બની જતા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ મામલતદારને એક લેખિત ફરિયાદ કરી તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ કરવવાની માંગ કરી છે.
માંગરોળ મામલતદાર કચેરી ખાતે માંગરોળના માજી ધારાસભ્ય રમણ ચૌધરી, મહામંત્રી શાહબુદ્દીન મલેક, એડવોકેટ બાબુ ચૌધરી, રૂપસિંગ ગામીત, કનુ ચૌધરી સહિતના આગેવાનોએ સુરત જિલ્લા કલેકટરને સંબોધીને લખેલું એક આવેદનપત્ર માંગરોળના મામલતદારને સુપરત કરી જણાવ્યું કે ઝંખવાવ વાંકલ મોસાલી રાજ્ય ધોરીમાર્ગ અતિશય બિસ્માર બની ગયો છે ઓગસ્ટ માસમાં પાતલદેવી નજીક ઉપરોક્ત માર્ગ પર ખરાબ માર્ગને કારણે મહિલા નાયબ મામલતદાર અને તેના પતિનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું તે વખતેના સમારકામની માંગ ઉઠી હતી પરંતુ આજદિન સુધી આ માર્ગનું સમારકામ થયું નથી જેને કારણે અકસ્માતો થઈ રહ્યા છે એ જ પ્રમાણે કોસંબા મોસાલી અને નાની નરોલી રાજ્ય ધોરી માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જતા આ બંને માર્ગ પર અવાર નવાર અકસ્માતો થઈ રહ્યા છે. ઉપરોક્ત માર્ગો માંડવી સ્થિત માર્ગ અને વિભાગની સ્ટેટ કચેરીના કાર્યક્ષેત્રમાં આવે છે પરંતુ માંડવી કચેરીના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે જેના કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે જવાબદાર અધિકારીઓ આ બાબતે તાત્કાલિક ધોરણે માર્ગના સમારકામની કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
મોસાલી ચાર રસ્તાથી નાની નરોલી મુખ્ય માર્ગ પર શાહ વસરાવી ગામના પાટિયા નજીક આવેલ ગરનાળું સાંકડું હોવાને કારણે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે અગાઉ આ ગરનાળું પહોળું કરવા માટે ગુજરાત સરકારના મંત્રીના છત્રસિંહ મોરીના અધ્યક્ષ સ્થાને માંગરોળ ખાતે યોજાયેલા લોક દરબારમાં રજૂઆતો થઈ હતી ત્યારે માર્ગ અને મકાન વિભાગના જે તે સમયના અધિકારીએ ગળનાળાનું કામ કામ મંજૂર થઇ ગયુ હોવાનું જણાવ્યું હતું પરંતુ આજદિન સુધી ગરનાળુ બન્યું નથી.