માંગરોળ તાલુકાના લુવારા ગામે તળાવ ફળિયામાં જવાના સરકારી રસ્તા પર બે શખ્સોએ લોખંડનો ગેટ મૂકી રસ્તો બંધ કરી દેતા રોષે ભરાયેલા ફળિયાના રહીશો મોરચો લઈ તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક રસ્તા પરનું દબાણ દૂર કરવાની માંગ કરી હતી.
લુવારા ગામના તળાવ ફળિયામાં જવાના સરકારી રસ્તા ઉપર આજ ગામના ફૈજલ સાજી અને સોહેલ સાજીએ લોખંડનો ગેટ રસ્તા ઉપર મૂકી રસ્તો બંધ કરી દેતા તળાવ ફળિયાના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આ ફળિયામાં ૫૦ થી વધુ આદિવાસી પરિવારો વસવાટ કરે છે તેઓને કાયમી જવા માટે આ રસ્તાની ખૂબ જરૂરિયાત હોય ત્યારે તેના ઉપર બિનઅધિકૃત રીતે બંને શખ્સો દ્વારા દબાણ કરી રસ્તો બંધ કરાતા સમગ્ર ફળિયાના લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. રોષે ભરાયેલા આદિવાસી પરિવારની મહિલાઓ નયનાબેન વસાવા, વાસંતીબેન વસાવા, ગીતાબેન વસાવા તેમજ અનિલભાઈ વસાવા, પ્રવીણભાઈ વસાવા સહિત ૫૦ થી વધુ લોકો તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ ફરિયાદ લઈને પહોંચ્યા હતા અને ફરજ પરના અધિકારીને એક લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું તેમજ સામૂહિક મૌખિક રજુઆતો કરી તાત્કાલિક ધોરણે રસ્તા પરનું દબાણ દૂર કરવામાં આવે અને લોકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.