માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ હાલમાં તાલુકા અને જિલ્લા પંચાયતની મુદ્દત પુરી થતા તાલુકા અને જિલ્લા પંચાયતમાં વહીવટદાર તરીકે સ્થાનિક અધિકારીને બદલે ઉચ્ચ અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી છે.
હાલમાં તાલુકા અને જિલ્લા પંચાયતની મુદ્દત પૂરી થઈ ચૂકી છે સરકાર દ્વારા વહીવટદાર નીમવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરી, માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી, એડવોકેટ બાબુભાઈ ચૌધરી, રૂપસિંગ ગામીત, મહામંત્રી શાહબુદ્દીન મલેક સહિતનાં આગેવાનોએ માંગરોળનાં મામલતદારને ગુજરાતનાં રાજ્યપાલને સંબોધીને લખેલું એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને જણાવ્યું કે તાલુકા અને જિલ્લા પંચાયતમાં વહીવટદાર તરીકે સ્થાનિક અધિકારીને બદલે ઉચ્ચ કક્ષાના અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવે તેવી અમારી માંગ છે.
હાલના સમયે વિકાસ કામો ચાલી રહ્યા છે ત્યારે સ્થાનિક અધિકારી પ્રમાણિકતાથી વહીવટ કરી શકે નહીં એવું અમારું માનવું છે સત્તાધારી પક્ષના આગેવાનો તટસ્થતા પૂર્વક અને પ્રમાણિકતાથી કામગીરી કરવા દેશે નહીં અને આગામી યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં લઇ પોતાની મનમાની મુજબ વિકાસ કામો કરાવી મતદારો ને પ્રલોભન આપે તેવી દહેશત વ્યકત કરીએ છે જેથી તાલુકા કક્ષાએ ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવે તેમજ જિલ્લાકક્ષાએ સચિવ કક્ષાના અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવે તેવી કોંગ્રેસ સમિતિની માંગ કરી છે.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.