આમખુટા રાત્રી રોકાણ બસ ફરી ચાલુ કરવા આમખુટા ગામનાં સરપંચ અશોકભાઈ ગામીતે લેખિત રજુઆત કરીને માંગ કરી હતી. માંગરોળ તાલુકાનાં આમખુટા ગામની બસ લગભગ છેલ્લા 15 વર્ષ માંડવી આમખુટા રાત્રી રોકાણ કરતી હતી પરંતુ કોરોનાની વૈશ્વિક મહામારીને લીધે બસો બંધ કરી હતી ત્યારથી આ રૂટ બંધ છે.
આ અંગેની લેખિત રજુઆત ડેપો મેનેજર માંડવીને રજુઆત કરવા છતાં બસ ચાલુ કરવામાં આવી નથી. માંડવી ડેપો દ્વારા ઝંખવાવ – રેગામાં અને મઢી કે અન્ય સિડ્યુલ ચાલુ કરી મુસાફરોને સુવિધા આપવામાં આવી છે. પરંતુ આમખુટા, વેરાકુઈ, રાણીકુવા, કદવાળી, તૂકેદ, પાતાલ, ચુડેલ અનેક ગામોને કોઈ સુવિધા આપેલ નથી. પરીક્ષા વખતે વાલીઓ વિદ્યાર્થી ઓને માંડવી સુધી મોટરસાઇકલ પર મુકવા માટે જતા હોય છે. નાની મોટી બીમારી થઈ હોય તો માંડવી દવાખાને આવવું પડતું હોય છે તેમજ રોજગારી મજૂરી માટે માંડવી સુધી આવવું પડે છે. જેથી બિનજરૂરી ગરીબ આદિવાસીઓ ઉપર આર્થિક ભારણ થવા પામે છે. માંડવી એસ.ટી ડેપો બસ દ્વારા સુવિધા ફાળવવામાં આવે તો મુશ્કેલી દૂર થાય એમ છે. જો યોગ્ય નિકાલ ન આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના મૂડમાં છે.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.