માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાંકલ રેન્જ, વનવિભાગ દ્વારા પ્રખ્યાત પક્ષીવિદ ડૉ. સલીમ અલીના જન્મજયંતિની ઊજવણીના ભાગ રૂપે તા. ૦૬-૧૧-૨૦૨૦ થી ૧૩-૧૧-૨૦૨૦ દરમ્યાન પક્ષી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પક્ષી ફોટોગ્રાફી, પક્ષીઓના ગીત-અવાજ રેકોર્ડ કરવાની સ્પર્ધા, પક્ષી ચિત્ર સ્પર્ધા અને પક્ષી વિષયક વિવિધ વિષયો જેવા કે ગુજરાતનાં પક્ષીઓ, પક્ષીઓના ગીત-અવાજ, પક્ષી સ્થળાંતરણ, કૃષિ પક્ષીઓ અને પક્ષીઓનું મહત્વ જેવા વિષયો પર વેબીનાર શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજજ્ઞ તરીકે ડૉ. રાજેશ સેનમા, ડૉ. પુષ્પા શાહ, જીગર પટેલ, મુબીના આજમ અને શીતલ પટેલ દ્વારા યોગદાન પૂરૂ પાડવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડૉ. પાર્થિવ ચૌધરીએ પક્ષીઓનું નિવસનતંત્રમાં મહત્વ જણાવ્યું હતું તથા પક્ષી સપ્તાહની ઊજવણી માટે અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. વાંકલ વનવિભાગના રેન્જ અધિકારી નિતિન વરમોરેએ વિદ્યાર્થીઓને પક્ષીઓ, વન અને વન્યજીવોના સંરક્ષણ માટે આહવાન કર્યું હતું તથા ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તથા ભવિષ્યમાં વનવિભાગની પ્રવૃતિઓમાં કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓની ભાગીદારી માટે જણાવવામાં આવ્યું હતું. વેબીનારમાં જુદી જુદી કોલેજોના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. વેબીનારનું સફળ આયોજન પ્રાણીશાસ્ત્ર વિભાગના વિભાગીય અધ્યક્ષ ડૉ. રાજેશ સેનમા,ડૉ. એચ.વી. જોશી, ડૉ. પુષ્પા શાહ, જીગર પટેલ, મુબીના આજમ, શીતલ પટેલ અને સેજલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
વિનોદ (ટીનુભાઈ)મૈસુરીયા, વાંકલ, સુરત.