ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આગામી 3 વર્ષની મુદત માટેની પ્રમુખ તથા મહામંત્રીના પદ માટે ગાંધીનગર ચાણક્ય ભવન મુકામે યોજાયેલ આ ચૂંટણીમાં રાજ્યના દરેક જિલ્લાના પ્રમુખ, મહામંત્રી તથા રાજ્ય પ્રતિનિધિઓ મળી કુલ 501 મતદારો પૈકી 497 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે 4 મતદારો ગેરહાજર રહ્યા હતા. મતદાનની ટકાવારી 99.20 ટકા જેટલી રહી હતી. સુરત જિલ્લાના તમામ ડેલીગેટોએ મતદાન કરેલ હતું શનિવારે સવારથી બપોર સુધી મતદાન પ્રક્રિયાના અંતે બપોર બાદ મતગણતરી હાથ ધરાઇ હતી. આ બાબતે ચૂંટણીપંચના અધ્યક્ષ સંજય પટેલને ટાંકીને વિશેષ માહિતી આપતા સુરત જિલ્લાના પ્રમુખ કિરીટભાઈ પટેલના જણાવ્યા મુજબ પ્રમુખ/ મહામંત્રીની આ ચૂંટણીમાં કુલ 497 મતો પડ્યા હતા. હાઇકોર્ટ મેટરના કારણે અલગ રખાયેલા 40 મતોને બાદ કરતા બાકીના 457 મતો પૈકી પ્રમુખપદના ઉમેદવાર દિગ્વિજયસિંહ જાડેજા( જામનગર) ને 252 મતો જ્યારે તેમના હરીફ ઉમેદવાર ગિરિશ પટેલ (સાબરકાંઠા) ને 198 મતો મળતાં પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજાનો 54 મતે વિજય થયો હતો. 7 મતો રદ થયા હતા. એ જ રીતે મહામંત્રીના પદ માટે 457 મતોમાંથી સતીશ પટેલ (અરવલ્લી) ને 240 જ્યારે તેમના હરીફ ઉમેદવાર નરેન્દ્ર ગોહેલ (અમદાવાદ) ને 212 મતો મળતા મહામંત્રી તરીકે સતીશ પટેલનો 28 મતે વિજય થયો હતો. 5 મતો રદ થયા હતા, રાજ્યપ્રતિનિધિઓ બાબતે કોર્ટ મેટર થતા બનાસકાંઠાના 31 તથા ગિરસોમનાથ જિલ્લાના 9 મળી કુલ 40 મતો હાઇકોર્ટની સૂચનાથી અલગ સીલબંધ કવરમાં રખાયા હતા જેની ગણતરી હાલ કરાઇ નથી. ચૂંટણી અધિકારી દ્વારા હાઇકોર્ટના આખરી ચુકાદાને આધિન રહી પરિણામ જાહેર કરાયું હતું. દિગ્વિજયસિંહ જાડેજા તથા સતીષભાઇ પટેલની વર્તમાન ચાલુ પેનલે પરિવર્તન પેનલના ગિરીશ પટેલ તથા નરેન્દ્ર ગોહેલનેની હાર થઈ હતી આમ વર્તમાન પેનલની સતત ત્રીજી જીત હતી. પરિણામ બાદ બન્ને વિજેતા ઉમેદવારોને તેમના ટેકેદારોએ ફૂલહાર પહેરાવી સત્કાર્યા હતા. નવનિયુક્ત પ્રમુખ તથા મહામંત્રીએ પોતાની પેનલને વિજયી બનાવી પુન: તેઓમાં વિશ્વાસ મૂકવા બદલ સર્વે મતદારોનો આભાર માન્યો હતો અને આગામી સમયમાં સૌના સહિયારા પ્રયાસો વડે રાજ્યના પ્રાથમિક શિક્ષકોના બાકી પડતર પ્રશ્નોના ઉકેલ માટે પૂરા પ્રયાસો કરાશે તેવી ખાતરી ઉચ્ચારી હતી તેવું સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઇ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈએ જણાવ્યું હતું.
અત્રે નોંધવું જરૂરી છે કે સુરત જિલ્લાના પ્રમુખ કિરીટભાઈ પટેલે દક્ષિણ વિભાગના દશ જિલ્લાના ડેલીગેટોને કામરેજ ભેગા કરી પહેલેથી જ વિજય સમર્થન કાર્યક્રમ કરી ખરા અર્થમાં સારથીની ભૂમિકા ભજવી હતી જે બદલ રાજ્ય સંઘના પ્રમુખ/મંત્રીએ કિરીટભાઈનો તેમજ તેઓની ટીમનો આભાર વ્યક્ત કરેલ હતો તથા અન્ય જિલ્લાના પ્રમુખ, મંત્રી ડેલિગેટ ભાઇ, બહેનોનો આભાર વ્યક્ત કરેલ હતો.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.