સરકારનું સાહસ ગણાતી માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે કાર્યરત જી.આઇ.પી.સી.એલ કંપનીમાં કામ કરતાં કામદારોને કોરોના વાઇરસથી બચવાની કોઈપણ પ્રકારની સુવિધા ન આપવામાં આવતા કામદારોમાં કંપની વિરુદ્ધ વ્યાપક રોષ ફેલાયો છે. કેન્દ્ર અને રાજય સરકારનું સમગ્ર તંત્ર કોરોના વાઇરસ સામે 144 ની કલમ લાગુ કરી તકેદારીના ભાગરૂપે જાહેરનામા પ્રસિદ્ધ કરી રહી છે. ત્યારે બીજી તરફ સરકારનું સાહસ ગણાતી જી.આઇ.પી.સી.એલ કંપનીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતાં હજારો કામદારોના માથે જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. કામદારોએ કોરોના વાઇરસથી બચવા સામાન્ય ગણાતા માસ્કની માંગણી કરી હતી પરંતુ કામદારોને માસ્ક આપવામાં આવ્યા નથી તેમજ સેનેટાઈઝર પણ મળ્યું નથી. તેમજ કંપનીમાં આવેલ કેન્ટીનમાં એકસાથે મોટી સંખ્યામાં કામદારો સમૂહમાં ભોજન, ચ-નાસ્તો કરવા બેસતા હોય છે. જેથી સરકારશ્રીનાં જાહેરનામાનો છળેચોક ભંગ થઈ રહ્યો છે. વધુમાં આ કંપનીમાં બિહાર,યુ.પી.સહિત વિવિધ રાજયોના કામદારો કામ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય બહારથી આવેલા કામદાર કોરોના વાઇરસથી પ્રભાવિત છે કે કેમ તેની પણ તકેદારી રાખવામાં આવતી નથી. બીજી તરફ મામલતદાર અથવા તાલુકા જીલ્લાનું સરકારી તંત્ર કંપનીનાં કામદારો માટે કોરોના વાઇરસનાં સંદર્ભમાં કોઈ પગલાં ભર્યા નથી જેથી કામદારોમાં કંપની અને સરકારી તંત્ર વિરુદ્ધ રોષ ફેલાયો છે.
સરકારનું સાહસ ગણાતી G.I.P.C.L કંપનીમાં કોરોના વાઇરસથી બચવા હજારો કામદારોને માસ્ક પણ આપવામાં આવ્યા નથી.
Advertisement